મધ્યપ્રદેશના ધાર જિલ્લાના માનપર તાલુકાના વતની અને હાલ ખંભાળિયામાં મજૂરીકામ કરતાં યુવાનની પત્ની રીસામણે જતી રહેતાં પતિએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. ભાણવડમાં રહેતા મહિલાએ તેની માનસિક બિમારીથી કંટાળીને અગ્નિસ્નાન કર્યાના બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના માનપર તાલુકાના મૂળ વતની અને હાલ ખંભાળિયામાં ભાણવડ રોડ પર આવેલી એક પોલ ફેક્ટરીમાં રહી અને મજૂરી કામ કરતા સોનુ રમેશભાઈ ભુરીયા નામના 28 વર્ષના યુવાનના પત્ની સાથે તેમને થોડા દિવસો પૂર્વે ઝઘડો થયો હતો. આ પછી તેણી ઘર છોડીને પોતાના માવતરે જતી રહી હતી. આ બાબતે સોનુ ભુરીયાને મનમાં લાગે આવતા તેણે પોતાના હાથે ઓરડીમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે રમેશભાઈ ગલસિંહભાઈ ભુરીયા દ્વારા જાણ કરાતા ખંભાળિયા પોલીસએ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી આરંભી હતી.
બીજો બનાવ ભાણવડમાં સરકારી દવાખાના પાસે રહેતા દક્ષાબેન ઈલેશભાઈ ઘેડિયા (ઉ.વ. 43) નામના કુંભાર મહિલા છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાઈ રહ્યા હોય, આ બીમારીથી કંટાળીને તેમણે ગત તારીખ 11ના રોજ પોતાના રહેણાંક મકાનમાં પોતાના હાથે કેરોસીન છાંટીને દીવાસળી ચાંપી લેતા તેમને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે જામનગરની જી. જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગેની જાણ હાલ રાજકોટ ખાતે રહેતા વિજયભાઈ વજશીભાઈ મંડોરાએ જાણ કરતાં પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો મેળવી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.