જામનગર શહેરમાં શનિ-રવિ બે દિવસ દરમ્યાન કોરોનાના વધુ 12 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 116 કેસ નોંધાઇ ચૂકયા છે. હાલમાં 46 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ તથા એક દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
જામનગર સહિત દેશભરમાં કોરોના સંક્રમણ વધતું જઇ રહ્યું છે. કોરોનાને કારણે મોતની સંખ્યા પણ વધી રહી છે. કોરોનાનો નવો વેરિએન્ટ અગાઉના વેરિએન્ટ જેટલો ગંભીર કે ખતરનાક ન હોય, હાલની તકે મોટાભાગના દર્દીઓને હોમ આઇસોલેશન હેઠળ રાખવામાં આવે છે. જામનગરમાં કોરોના સંક્રમણનો કુલ આંક સદી વટાવી ચૂકયો છે. શનિ-રવિ બે દિવસમાં વધુ 12 કેસ નોંધાયા છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયા અનુસાર શનિવારે જામનગરમાં નવા 10 કેસ નોંધાયા હતા. શનિવારે 10 દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા હતા. જ્યારે એક દર્દીને હોસ્પિટલમાં સારવારઅર્થે રાખવામાં આવ્યા છે. શનિવારે જામનગર શહેરમાં ન્યુ આરામ કોલોનીમાં 54 વર્ષના મહિલા, ભાટની આંબલીમાં 55 વર્ષના મહિલા, ડેન્ટલ હોસ્ટેલમાં 23 વર્ષનો યુવક, ટી.બી. હોસ્પિટલ, માતૃઆશિષ સોસાયટીમાં 42 વર્ષનો યુવાન, પટેલ પાર્કમાં 35 વર્ષનો યુવાન, પટેલ કોલોનીમાં 41 વર્ષના મહિલા, પ્રેમચંદ કોલોનીમાં 32 વર્ષના યુવાન, ગોકુલનગર, જકાત નાકા પાસે 25 વર્ષનો યુવાન, ખોડિયાર કોલોનીમાં 59 વર્ષના વૃદ્ધ, અંધાશ્રમ સામે 39 વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ગઇકાલે રવિવારે માત્ર બે કેસ નોંધાતા થોડી રાહત જોવા મળી હતી. ગઇકાલે આસોપાલવ સોસાયટીમાં 37 વર્ષના મહિલા તથા પટેલ કોલોનીમાં 77 વર્ષના વૃદ્ધ કોરોના પોઝિટિવ આવ્યા હતાં. અત્યાર સુધીમાં જામનગરમાં કુલ 116 કેસ નોંધાયા છે. ગઇકાલે પાંચ સહિત અત્યાર સુધીમાં કુલ 69 દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે.