Sunday, August 23, 2026
Homeરાજ્યજામનગર20 રૂપિયા ન આપતા લુખ્ખા શખ્સ દ્વારા પ્રૌઢની હત્યાનો પ્રયાસ

20 રૂપિયા ન આપતા લુખ્ખા શખ્સ દ્વારા પ્રૌઢની હત્યાનો પ્રયાસ

લુખ્ખા શખ્સએ બળજબરીપૂર્વક પૈસા માંગ્યા : નિદ્રાધિન પ્રૌઢે 20 રૂપિયા આપવાની ના પાડી : ઉશ્કેરાયેલા શખ્સે છરીના ત્રણ ઘા ઝિંકયા : પોલીસ દ્વારા ખુની હુમલાના પ્રયાસનો ગુનો નોંધી શોધખોળ

જામનગર શહેરના નવી વાસ મસ્જિદ પાસે બાકડા ઉપર સૂતેલા પ્રૌઢએ 20 રૂપિયા આપવાની ના પાડતાં લુખ્ખા શખ્સએ પ્રૌઢ ઉપર છરી વડે જીવલેણ હુમલો કરી હત્યાના પ્રયાસના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ હત્યા પ્રયાસના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં નવી વાસ વિસ્તારમાં રહેતાં અને આ જ વિસ્તારમાં મસ્જિદ પાસે વરસોથી રેંકડીમાં ફ્રૂટ વેંચતા રમેશભાઇ નારણભાઇ દત્તાણી નામના પ્રૌઢ બુધવારે વ્હેલીસવારે સિમેન્ટના બાકડા ઉપર સૂતા હતા. તે દરમ્યાન નવી વાસ વિસ્તારમાં રહેતો ઇમ્તિયાઝ ઉર્ફે ભોયો યુનુસ ગામેતી નામના શખ્સએ નિદ્રાધિન પ્રૌઢ પાસે આવીને બળજબરીપૂર્વક 20 રૂપિયાની માંગણી કરી હતી. લુખ્ખા તત્ત્વ દ્વારા બળજબરીપૂર્વક માંગણી કરાતા પ્રૌઢે 20 રૂપિયા ન આપતા ઉશ્કેરાયેલા શખ્સએ તેની પાસે રહેલી છરી કાઢીને પ્રૌઢ ઉપર આડેધડ ત્રણ ઘા પેટના ભાગે ઝિંકી જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં પ્રૌઢને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણના આધારે પ્રૌઢના પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યા હતા. જ્યાં બનાવની જાણ થતાં પીએસઆઇ વી. આર. ગામેતી તથા સ્ટાફ હોસ્પિટલે પહોંચી ગયો હતો અને પ્રૌઢના પરિવારના સંદીપભાઇ દત્તાણી નામના યુવાનના નિવેદનના આધારે લુખ્ખા શખ્સ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.

ઉલ્લેખનિય છે કે, જામનગર શહેર અને જિલ્લામાં બેખૌફ ફરી રહેલા આવા લુખ્ખા તત્ત્વો સામે કડક અને જિંદગીભર યાદ રહે તેવી કાર્યવાહી કરવી જોઇએ. માત્ર 20 રૂપિયા માટે કોઇનો જીવ લઇ લેવા સુધી પહોંચી જાય તેવી માનસિકતા ધરાવતા શખ્સો સામે કડક કાર્યવાહીની લોકમાંગણી ઉઠી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular