જામનગર શહેરમાં રખડતાં શ્વાનોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરની શેરીઓ, સોસાયટીઓ, મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોએ રખડતાં શ્વાનોના ટોળાંથી નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને રાહદારીઓ માટે રસ્તા પર નીકળવું પણ જોખમી બની રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં નોંધાયેલા ડોગ બાઈટના આંકડાઓ ચિંતાજનક હકીકત સામે લાવી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં એટલે કે વર્ષ 2025 અને 2026ના ઓક્ટોબર મહિના સુધીમાં કુલ 27,523 લોકો શ્ર્વાનના બચકાંનો ભોગ બન્યા હોવાનું હોસ્પિટલના આંકડાઓમાં સામે આવ્યું છે. આ આંકડાઓ શહેરમાં રખડતાં શ્ર્વાનોની સમસ્યા કેટલી ગંભીર બની રહી છે તેનો અંદાજ આપે છે.
જામનગર સહિત સમગ્ર હાલાર વિસ્તારમાં રખડતાં શ્વાનોનો ત્રાસ હવે નાગરિકો માટે રોજિંદી સમસ્યા બની ગયો છે. શહેરના અનેક વિસ્તારોમાં શ્વાનોના ટોળાં રસ્તાઓ પર જોવા મળે છે. વહેલી સવારે ચાલવા નીકળતા લોકો, શાળાએ જતા બાળકો, કામધંધા માટે અવરજવર કરતા નાગરિકો તેમજ રાત્રિના સમયે ઘરે પરત ફરતા લોકોમાં શ્વાનોના હુમલાનો ભય જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારોમાં શ્વાનો દ્વારા રાહદારીઓને દોડાવવા અને બચકાં ભરવાની ઘટનાઓ પણ સામે આવતી રહે છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં શ્વાનના હુમલાની ગંભીર ઘટનાઓ બનતી હોવાના અહેવાલો વચ્ચે જામનગરના આંકડાઓએ પણ ચિંતા વધારી છે.
View this post on Instagram
જી જી હોસ્પિટલના વર્ષ 2025ના માસવાર આંકડાઓ પર નજર કરીએ તો જાન્યુઆરી મહિનામાં 1,297, ફેબ્રુઆરીમાં 1,139, માર્ચમાં 1,138, એપ્રિલમાં 1,158, મે મહિનામાં 1,144, જૂનમાં 1,004, જુલાઈમાં 1,139, ઓગસ્ટમાં 978, સપ્ટેમ્બરમાં 1,077, ઓક્ટોબરમાં 1,575, નવેમ્બરમાં 1,691 અને ડિસેમ્બર મહિનામાં 1,748 ડોગ બાઈટના કેસ નોંધાયા હતા. આમ, વર્ષ 2025 દરમિયાન જ કુલ 15,088 લોકો શ્વાનના બચકાંનો ભોગ બન્યા હતા. ખાસ કરીને વર્ષના અંતિમ મહિનાઓમાં ડોગ બાઈટના કેસોમાં વધારો જોવા મળ્યો હતો.
વર્ષ 2026માં પણ શ્વાનના હુમલાની સમસ્યામાં કોઈ ખાસ ઘટાડો જોવા મળ્યો નથી. ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં 1,615, ફેબ્રુઆરીમાં 1,287, માર્ચમાં 1,450, એપ્રિલમાં 1,383, મે મહિનામાં 1,451, જૂનમાં 1,234, જુલાઈમાં 982, ઓગસ્ટમાં 1,012, સપ્ટેમ્બરમાં 1,021 અને ઓક્ટોબર મહિનામાં અંદાજે 1,000 ડોગ બાઈટના કેસ નોંધાયા છે. આમ, વર્ષ 2026ના પ્રથમ દસ મહિનામાં જ 12,435 લોકો શ્વાનના હુમલાનો ભોગ બન્યા છે. બંને વર્ષના આંકડાઓને જોડવામાં આવે તો 27,523 લોકો શ્વાનના બચકાંનો ભોગ બન્યા હોવાનું સામે આવે છે. એટલે કે સરેરાશ દર મહિને એક હજારથી વધુ લોકો ડોગ બાઈટની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
ડોગ બાઈટના આટલા મોટા આંકડાઓ સામે આવ્યા બાદ હવે શહેરમાં રખડતાં શ્વાનોની સમસ્યાના કાયમી ઉકેલનો પ્રશ્ન ફરી ચર્ચામાં આવ્યો છે. માત્ર ફરિયાદો નોંધવા કે સમયાંતરે કામગીરી કરવાથી આ સમસ્યાનો ઉકેલ આવશે કે કેમ તે પણ સવાલ છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં શ્વાનોની વધતી સંખ્યા, નાગરિકોની સુરક્ષા અને જાહેર માર્ગો પર સર્જાતી મુશ્કેલીઓ અંગે સંબંધિત તંત્ર દ્વારા ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂરિયાત ઊભી થઈ છે.
ખાસ કરીને બાળકો રમતાં હોય તેવા મેદાનો, શાળાઓની આસપાસના વિસ્તારો અને રહેણાક સોસાયટીઓમાં નાગરિકોની સુરક્ષા માટે અસરકારક વ્યવસ્થા ઊભી કરવી જરૂરી બની છે. શ્વાનોનું નિયંત્રણ, રસીકરણ અને પ્રાણી કલ્યાણના નિયમોનું પાલન થાય તે રીતે મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થિત આયોજન કરવાની જરૂર છે.
હવે સવાલ એ છે કે, જી જી હોસ્પિટલના આટલા મોટા આંકડાઓ સામે આવ્યા બાદ પણ તંત્ર ક્યારે જાગશે? નાગરિકોને રખડતાં શ્વાનોના ભયમાંથી મુક્તિ અપાવવા માટે માત્ર કાગળ પરની કામગીરી નહીં, પરંતુ જમીની સ્તરે અસરકારક પગલાં ક્યારે ભરાશે? શહેરની જનતા હવે આ સમસ્યાના કાયમી અને વ્યવસ્થિત ઉકેલની અપેક્ષા રાખી રહી છે.


