જામનગર શહેરની હદમાં નવા 10 ગામોનો સમાવેશ કરી તૈયાર કરવામાં આવતી વિસ્તાર વિકાસ યોજનામાં તમામ ધર્મના નાગરીકો માટે સ્મશાન ભૂમિ, કબ્રસ્તાન તથા અન્ય અંતિમ સંસ્કારના સ્થળો માટે જમીન કાયમી ધોરણે અનામત રાખવાની માંગણી સાથે કોર્પોરેટર દ્વારા જામનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળના મુખ્ય કારોબારી અધિકારીને પત્ર લખી રજૂઆત કરી છે. વોર્ડ નં.12ના કોર્પોરેટર એડવોકેટ જેનબબેન ખફી દ્વારા કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે, ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, 1976 તથા તેના નિયમો હેઠળ જામનગર શહેરના વિસ્તાર વિકાસના આયોજનમાં નવા 10 ગામોનો સમાવેશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
જામનગર શહેરની સતત વધતી જતી વસ્તી અને ભવિષ્યના શહેરી વિકાસને ઘ્યાનમાં રાખીને નવા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. ત્યારે માત્ર રહેણાંક, રસ્તા, પાણી, ગટર, વીજળી અને અન્ય માળખાકીય સુવિધાઓનું જ આયોજન ન થાય, પરંતુ નાગરીકોની સામાજિક, ધાર્મિક અને જીવનની અંતિમ જરૂરીયાતોનું પણ સમાન મહત્વ સાથે આયોજન કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે. ખાસ કરીને નવા સમાવિષ્ટ થનારા ગામોમાં ભવિષ્યમાં વસ્તી વધવાની સંભાવનાને ઘ્યાનમાં રાખીને તમામ ધર્મ અને સમાજના લોકો માટે અંતિમ સંસ્કારની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવી એ સુઆયોજિત શહેરી વિકાસનો મહત્વપૂર્ણ ભાગ છે.
આથી શહેરની હદમાં નવા સમાવિષ્ટ થનારા તમામ 10 ગામોમાં સ્મશાન ભૂમિ, કબ્રસ્તાન અને અન્ય ધર્મના અંતિમ સંસ્કાર માટે જરૂરી સ્થળોની આગોતરી જોગવાઇ કરવા, તૈયાર કરવામાં આવનાર ડ્રાફટ ડેવલોપમેન્ટ પ્લાન અને ફાઇનલ પ્લાનમાં આ સ્થળો અલગથી દર્શાવવા, આ અનામત રાખેલ જમીનનો અન્ય હેતુ માટે ઉપયોગ કે ફેરફાર ન થાય તે માટે નિયમો મુજબ કાયમી સુરક્ષાની જોગવાઇ કરવા, જે ગામોમાં અગાઉથી સ્મશાન કે કબ્રસ્તાનની વ્યવસ્થા હોય ત્યાં વર્તમાન સ્થિતીનું સર્વેક્ષણ કરવાની માંગણી કરવામાં આવી છે.


