Wednesday, November 18, 2026
Homeહેલ્થ એન્ડ વેલનેસનવેમ્બરની ગુલાબી ઠંડીમાં કેમ સતાવે છે આળસ? જાણો સુસ્તી ભગાડવાની સરળ ટિપ્સ

નવેમ્બરની ગુલાબી ઠંડીમાં કેમ સતાવે છે આળસ? જાણો સુસ્તી ભગાડવાની સરળ ટિપ્સ

નવેમ્બર મહિનો બેસતા જ હવામાનમાં એક સરસ મજાનો બદલાવ જોવા મળે છે. સવાર સાંજની ગુલાબી ઠંડી, હળવું ધુમ્મસ અને આહ્લાદક વાતાવરણ મનને પ્રફુલ્લિત કરી દે છે. પરંતુ, આ બદલાતી ઋતુની સાથે આપણા શરીરમાં અનેક શારીરિક તેમજ માનસિક ફેરફારો પણ શરૂ થાય છે. ઘણા લોકોને આ દિવસોમાં આખો દિવસ ઊંઘ આવ્યા કરવી, આળસ કે સુસ્તી અનુભવાવી અને મૂડ ડાઉન રહેવાની ફરિયાદ રહે છે.આવો જાણીએ કે નવેમ્બરની આ ગુલાબી ઠંડીમાં ઊંઘની ગુણવત્તા કેવી રીતે સુધારી શકાય અને શિયાળાની સુસ્તીને દૂર કરી માનસિક સ્વાસ્થ્યને ઉત્સાહી રાખી શકાય.

- Advertisement -

શિયાળામાં ઊંઘ કેમ વધુ આવે છે અને સુસ્તી કેમ થાય છે?

શરૂઆતની ઠંડીમાં આપણા શરીરનું આંતરિક તાપમાન અને હોર્મોન્સ બદલાય છે. સૂર્યપ્રકાશ ઓછો મળવાને કારણે શરીરમાં ‘મેલેટોનિન'(ઊંઘનું હોર્મોન)વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે અને ‘સેરોટોનિન’ (મૂડ સારો રાખનાર હોર્મોન) ઘટે છે. પરિણામે, શરીર આખો દિવસ આરામ કરવા પ્રેરાય છે જેને વિન્ટર લેથર્જી કહે છે.

ઊંઘની ગુણવત્તા સુધારવા અને સુસ્તી ભગાડવાની ટીપ્સ

સવારના સૂર્યપ્રકાશનો લાભ લો

ઠંડીની સવારમાં હળવા તડકામાં 15-20 મિનિટ બેસવું ખૂબ જ ગુણકારી છે. કુદરતી સૂર્યપ્રકાશ મળવાથી શરીરમાં ‘સેરોટોનિન’નું સ્તર સુધરે છે, મૂડ સારો થાય છે અને રાત્રે ગાઢ ઊંઘ લાવવામાં મદદરૂપ મેલેટોનિન હોર્મોનનું સંતુલન જળવાઈ રહે છે.

- Advertisement -

રોજિંદી દિનચર્યા અને વ્યાયામ

ઠંડીમાં વહેલી સવારે પથારીમાંથી નીકળવું મુશ્કેલ લાગે છે, પરંતુ નિયમિત હળવી કસરત, યોગ કે ચાલવાનું રાખવાથી શરીરનું Blood Circulation વધે છે. કસરત એ એન્ડોર્ફિન રીલીઝ કરે છે જે આખો દિવસ ઉર્જાવાન રાખે છે અને સાંજે સમયસર ઊંઘ લાવવામાં મદદ કરે છે.

આહારમાં બદલાવ

સવારના નાસ્તામાં બદામ, અખરોટ અને ખજૂર જેવા પૌષ્ટિક આહાર લો.શિયાળામાં પાણી પીવાનું ઓછું થઈ જાય છે, જે માથાનો દુખાવો અને સુસ્તી વધારે છે. હૂંફાળું પાણી અથવા હર્બલ ટી (જેમ કે તુલસી-આદુવાળી ચા) પીતા રહો.રાત્રે હળવું અને પચવામાં સરળ ભોજન લો જેથી ગાઢ ઊંઘ આવે અને સવારે ભારેપણા ન લાગે.

- Advertisement -

સ્ક્રીન ટાઈમ નિયંત્રિત કરો

રાત્રે સૂતી વખતે રજાઈમાં ઓઢેલા ઓઢેલા ફોન કે લેપટોપનો ઉપયોગ કરવાથી બ્લુ લાઈટ મગજને સજાગ રાખે છે, જેનાથી ઊંઘ મોડી આવે છે અને સવારે ઉઠવામાં તકલીફ થાય છે. સૂવાના સમયના ઓછામાં ઓછા 30 મિનિટ પહેલાં સ્ક્રીનથી દૂર થઈ જાઓ.

રૂમનું વાતાવરણ અને સ્લીપ રૂટિન

સૂતી વખતે રૂમનું તાપમાન ખૂબ ઠંડુ કે બહુ ગરમ ન હોવું જોઈએ. હળવું ગરમ સ્નાન કરીને સૂવાથી શરીરનું તાપમાન ઘટે છે અને મગજને સંકેત મળે છે કે હવે સૂવાનો સમય થઈ ગયો છે. રોજ એક જ સમયે સૂવાની અને ઊઠવાની ટેવ પાડો.

નવેમ્બરની ગુલાબી ઠંડી એ આરામ કરવાનો નહીં, પણ પ્રકૃતિની સાથે તાલ મિલાવીને પોતાની જાતને ઊર્જાવાન બનાવવાનો સમય છે. થોડી સાવચેતી, યોગ્ય આહાર અને સક્રિય જીવનશૈલી અપનાવીને તમે શિયાળાની સુસ્તીને દૂર કરી શકો છો અને એકદમ ફ્રેશ અને હેલ્ધી માનસિક સ્વાસ્થ્યનો આનંદ માણી શકો છો!

(અસ્વીકરણ: સલાહ સહિતની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈ પણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો.)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular