જામનગર શહેરના ખોડિયાર કોલોનીમાં પીતરાઈ ભાઇ સાથે નાસતો લેવા આવેલા કોન્ટ્રાકટર યુવાન અને તેના પિતરાઈ ઉપર ત્રણ અજાણ્યા શખ્સોએ હાથમાં કાર અડી જવાની બાબતે બોલાચાલી કરી છરી વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

બનાવની વિગત મુજબ, દેવભુમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કાટકોલા ગામમાં રહેતા અને કોન્ટ્રાકટર પરબતભાઈ દેવશીભાઈ માડિયા (ઉ.વ.36) નામના યુવાન તેના મામાના દિકરાન અમિત ગાગલિયા સાથે ગત તા.4 ના રોજ રાત્રિના સમયે જામનગરના ખોડિયાર કોલોની પાસે બેકરીની દુકાનમાંથી નાસતો લઇ બહાર નિકળ્યા ત્યારે ત્યાંથી પસાર થતી સફેદ કલરની બોલેરો કારને અમિતના હાથમાં કાર અડી જવાની બાબતે બંને પિતરાઇઓને ઉભા રાખી કારમાંથી ઉતરેલા ત્રણ અજાણ્યા શખ્સોએ બોલાચાલી કરી પરબત ઉપર છરીના ઘા ઝીંકયા હતાં અને અમિતને ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી. હુમલામાં ઘવાયેલા પરબતભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ એન.એમ. ઝાલા તથા સ્ટાફે ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.