ખંભાળિયાના વેપારીઓ તેમજ શહેરીજનો અને ખાસ કરીને નગરપાલિકા તંત્ર માટે ખૂબ જ ઉત્તેજનાસભર બની રહેલી ખંભાળિયા નગરપાલિકા નિર્મિત જોધપુર ગેઈટ વિસ્તારના શોપિંગ સેન્ટરની 12 દુકાનોની હરાજી સોમવારે બપોરે એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. જેમાં નગરપાલિકાને ધાર્યા કરતા વધુ રૂપિયા 8.89 કરોડની રકમ ઉપજવા પામી છે. સૌથી વધુ પહેલી દુકાનના રૂપિયા 80 લાખ અને સૌથી ઓછા છેલ્લી દુકાનના રૂપિયા 48.25 લાખ બોલાયા હતા.
ખંભાળિયા શહેરના હાર્દ સમા ટ્રાફિકથી વ્યસ્ત અને એવા કોમર્શિયલ વિસ્તાર જોધપુર ગેઈટ ચોકમાં આશરે એક દાયકાપૂર્વે નગરપાલિકા દ્વારા ગ્રાઉન્ડ ફોર ફ્લોરમાં 12 દુકાનો સાથેનું શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું. કાયદાકીય પ્રક્રિયામં શોપિંગ સેન્ટરની આ જગ્યા શ્રી સરકાર હોવાથી નગરપાલિકાની માલિકીની ન હોવાના લીધે આ દુકાનોની હરાજી થઈ શકી ન હતી. એ પછી તાજેતરમાં આ અંગેની પ્રક્રિયા પછી બાદ નગરપાલિકાના નામે જગ્યા થઈ જતાં આખરે આ હરાજી કરવાનું મુકરર કરવામાં આવ્યું હતું.
મોકાના વિસ્તારમાં આવેલી આ 12 દુકાનોની હરાજી માટે સોમવાર તા. 27 જાન્યુઆરી નક્કી થયા પૂર્વે અનેક આસામીઓએ આ દુકાનો ખરીદવા માટેનો ઉત્સાહ દેખાડ્યો હતો. અને 106 આસામીઓએ રૂપિયા બે-બે લાખ ભરીને દુકાનની હરાજીમાં સહભાગી થવા તૈયારી દર્શાવવી હતી.
સોમવારે સવારે 11:30 વાગ્યે આ કોમ્પ્લેક્સમાં પહેલા મળે આવેલા હોલ ખાતે હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં પ્રાદેશિક કમિશનર કચેરીના પ્રતિનિધિ, ચીફ ઓફિસર, નગરપાલિકાના પ્રમુખ તેમજ સભ્યો ઉપરાંત નગરપાલિકાના સ્ટાફ વિગેરેની ઉપસ્થિતિમાં હરાજી શરૂ કરવામાં આવી હતી. દુકાનોની હરાજી માટે અપસેટ પ્રાઈઝ રૂપિયા સાડા 15 ાખ નક્કી થઈ હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત વેપારીઓ નગરજનોની હકડેઠઠ મેદની વચ્ચે એનાઉન્સમેન્ટ અને સંપૂર્ણ કાર્યવાહીની વિડીયોગ્રાફી કરાઈ હતી.
આ વચ્ચે ઉલ્લેખનીય છે કે મહત્વની આ હરાજીમાં નોંધપાત્ર સંખ્યામાં મહિલાઓના ફોર્મ પણ જમા થયા હતા અને હરાજીની પ્રક્રિયામાં પણ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બિલ્ડિંગમાં પ્રથમ નંબરની દુકાનની બોલી રૂ. 80 લાખ સુધી પહોંચી જતા સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ પછી પણ દુકાનોની ઊંચી બોલી યથાવત રહી હતી. સૌથી ઓછી બોલી 12 નંબરની છેલ્લી દુકાન માટે રૂપિયા 48.25 લાખ બોલવામાં આવી હતી.
આમ, તમામ દુકાનોની હરાજી માટે સ્થાનિક વેપારીઓ તેમજ નગરપાલિકાના સત્તાધિશોના અનુમાન કરતા વધુ રકમની ઉપજ થવા પામી હતી. અને આ હરાજીના અંતે કુલ રૂપિયા 8 કરોડ 88 લાખ 75 હજારની રકમ નગરપાલિકાની તિજોરીમાં ઠલવાઈ જશે. આ તમામ રકમ જે-તે આસામીઓને સંપૂર્ણપણે વ્હાઇટની ચૂકવવાની થશે.
આમ, નગરપાલિકાના વધુ એક શોપિંગ સેન્ટરમાં પ્રથમ વખત આ પ્રકારે થયેલી માલિકીની દુકાનોની હરાજીથી નગરપાલિકાને જાણે ટંકશાળ પડી હોય તેવો સૂર શહેરમાં સાંભળવા મળ્યો હતો. આ હરાજી પ્રક્રિયા બાદ જોધપુર ગેઈટ ચોક વિસ્તારમાં દુકાન ધરાવતા અન્ય દુકાનદારો પણ પોતાની મિલકતની કિંમત હવે ઊંચી આંકી રહ્યા છે.
ખંભાળિયા નગરપાલિકાની દુકાનો હરાજીથી મેળવનારા આસામીઓની યાદી
(દુકાન નં. 1) હિતેશભાઈ ગોકલદાસ વિઠલાણી, ટોકન – નંબર 17, રૂ. 80 લાખ, (દુકાન નં. 2) પાલાભાઈ કેશુભાઈ જામ, ટોકન – નંબર 36, રૂ. 78 લાખ, (દુકાન નં. 3) મથુરાદાસ નાનજીભાઈ રાયઠઠા, ટોકન નંબર 83, રૂ. 73 લાખ, (દુકાન નં. 4) અમિતભાઈ રામજીભાઈ વાયા, ટોકન નંબર 103, રૂ. 72 લાખ, (દુકાન નં. 5) મહમદહુશેન યુનુશભાઈ પીપરપોત્રા, ટોકન નંબર 62, રૂ. 69.5 લાખ, (દુકાન નં. 6) અરશીભાઈ અરજણભાઈ ચાવડા, ટોકન નંબર 87, રૂ. 80 લાખ, (દુકાન નં. 7) રાયદેભાઈ ભીમાભાઈ જામ, ટોકન નંબર 4, રૂ. 78 લાખ, (દુકાન નં. 8) જીગ્નેશભાઈ દેસુરભાઈ ચાવડા, ટોકન નંબર 104, રૂ. 7.55 લાખ, (દુકાન નં. 9) ભાવેશભાઈ હમીરભાઈ ચાવડા, ટોકન નંબર 105, રૂ. 7.85 લાખ, (દુકાન નં. 10) મુકેશભાઈ ડાયાભાઈ ચિત્રોડા, ટોકન નંબર 7, રૂ. 76 લાખ, (દુકાન નં. 11) મુકેશભાઈ ડાયાભાઇ ચિત્રોડા, ટોકન નંબર 7, રૂ. 80 લાખ, (દુકાન નં. 12) જયેશભાઈ મેરામણભાઈ ખોડભાયા, ટોકન નંબર 12, રૂ. 48.25 લાખ