જામનગર તાલુકાના ચેલા ગામમાં બસ સ્ટેન્ડ પાસેના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ હટાવતા સમયે મહિલા તલાટી કમ મંત્રીની ફરજમાં દબાણકાર સહિતના ત્રણ શખ્સોએ ફરજમાં રૂકાવટ કરી હતી.
મળતી વિગત મુજબ, જામનગર તાલુકાના ચેલા ગામમાં તાલુકા વિકાસ અધિકારીના જમન/વર્ક/946/2023 તા.29/12/2023 તથા તાલુકા વિકાસ અધિકારી જામનગર ની મહેસુલ શાખા ના નં જમન/વર્ક/01/2024 તા.01/01/2024 ના હુકમ આધારે ભાવિન ભાયલાલ સોલંકી નામના શખ્સ દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. ટીડીઓના આદેશ મુજબ તલાટી કમ મંત્રી વૈશાલીબેન પાંડાવદરા મંગળવારે સવારના સમયે સ્ટાફ સાથે દબાણ હટાવવા ગયા હતાં તે દરમિયાન દબાણકાર ભાવિન સોલંકી તેની પત્ની પૂર્ણાબેન સોલંકી અને કિશન મઢવી નામના દરેડના ત્રણ શખસો દ્વારા તલાટી કમ મંત્રીની ફરજમાં રૂકાવટ કરી કામ અટકાવવામાં આવ્યું હતું. દબાણ હટાવ કામગીરીમાં તલાટી કમ મંત્રીની ફરજમાં રૂકાવટ મામલે પોલીસમાં જાણ કરાતા પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે દંપતી સહિતના ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.