Tuesday, September 29, 2026
Homeરાજ્યજામનગરઉછીના રૂપિયા આપવાનો ઇનકાર કરનાર યુવકની હત્યા, ચાર આરોપીઓ ઝડપાયા - VIDEO

ઉછીના રૂપિયા આપવાનો ઇનકાર કરનાર યુવકની હત્યા, ચાર આરોપીઓ ઝડપાયા – VIDEO

દરેડમાં મિત્રો વચ્ચે પૈસાની ઉઘરાણી મુદ્દે બોલાચાલી બાદ યુવકને લાકડાના ધોકા અને ઢીકાપાટુનો માર માર્યો હતો

જામનગરના દરેડ વિસ્તારમાં ઉછીના રૂપિયા આપવાનો ઇનકાર કરનાર ૨૮ વર્ષીય યુવકની તેના જ મિત્રોએ માર મારી હત્યા કર્યાની ચકચારી ઘટના બની હતી. પૈસા ઉધાર આપવાની ના પાડતાં થયેલા વિવાદમાં યુવકને લાકડાના ધોકા તેમજ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. સમગ્ર પ્રકરણમાં પંચકોશી બી પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -

મળતી વિગતો મુજબ મૂળ બિહારના પટના જિલ્લાના વતની અને હાલ દરેડ વિસ્તારમાં મજૂરી કામ કરતા સૂર્યકાન્ત ઉર્ફે સુર્યા બિટેશ્વર પ્રસાદ, ઉંમર ૨૮ વર્ષ, પણ દરેડમાં રહી મજૂરી કરતા હતા. તા. ૨૪ સપ્ટેમ્બરની રાત્રે આશરે નવ વાગ્યાના અરસામાં તેઓ દરેડમાં વાછરા દાદાના મંદિર પાસે આવેલા સ્મશાન નજીક પોતાના મિત્રો સાથે બેઠા હતા.

દરમિયાન સૂર્યકાન્તના મિત્ર વિમલ પરમારે તેમની પાસે ઉછીના રૂપિયા માંગ્યા હતા. જોકે, સૂર્યકાન્તે રૂપિયા આપવાનો ઇનકાર કરતાં મામલો ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન વિમલ પરમાર, ખોડાભાઈ ઉર્ફે ખોલુ અને વિક્રમ ઉર્ફે રાધે સહિતના શખ્સોએ સૂર્યકાન્ત સાથે ઝઘડો કરી લાકડાના ધોકા વડે તેમજ ઢીકાપાટુનો માર માર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

- Advertisement -

આ ઉપરાંત ઘટનાસ્થળે આવેલા રવીરાજસિંહ કંચવાએ પણ સૂર્યકાન્તને ઢીકાપાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ છે. ચારેય શખ્સોએ માર માર્યા બાદ સૂર્યકાન્તને ગંભીર હાલતમાં ત્યાં જ છોડી દીધો હતો.

- Advertisement -

બીજા દિવસે પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ થતાં સૂર્યકાન્તને સ્મશાન નજીકથી લઈ જઈ રહેણાકના સ્થળે લાવવામાં આવ્યો હતો. સૂર્યકાન્તે પરિવારજનોને તેની સાથે બનેલી ઘટનાની જાણ કરી હતી. શરીરમાં ગંભીર ઇજાઓ અને બ્લીડિંગના કારણે તેની હાલત નાજુક જણાતા પ્રથમ દરેડની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

જોકે, તબિયતમાં સુધારો નહીં થતાં બાદમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન સૂર્યકાન્તનું મોત નીપજ્યું હતું. યુવકના મોત બાદ સમગ્ર બનાવ હત્યામાં પલટાયો હતો.

આ બનાવ અંગે ફરિયાદીના નિવેદનના આધારે પંચકોશી બી પોલીસે વિમલ પરમાર, ખોડાભાઈ ઉર્ફે ખોલુ, વિક્રમ ઉર્ફે રાધે અને રવીરાજસિંહ કંચવા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૧), ૩(૫) તેમજ જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે કાર્યવાહી હાથ ધરી ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા છે અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાથમિક ફરિયાદ મુજબ સમગ્ર બનાવ પાછળનું કારણ ઉછીના રૂપિયા આપવાનો ઇનકાર હોવાનું સામે આવ્યું છે. મૃતક અને આરોપીઓ મિત્રો અને પરિચિત હોવાનું જણાવાયું છે. રૂપિયા આપવાની ના પાડ્યા બાદ થયેલા વિવાદમાં સૂર્યકાન્ત પર હુમલો કરવામાં આવ્યો હતો અને ગંભીર ઇજાઓના કારણે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે આરોપીઓની ધરપકડ કરી હવે સમગ્ર ઘટનાક્રમ, હુમલામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો તથા અન્ય પાસાઓ અંગે તપાસ આગળ ધપાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular