Tuesday, September 8, 2026
Homeરાજ્યજામનગરશ્રાવણના અંતિમ સોમવારે શિવાલયોમાં શ્રૃંગાર દર્શન

શ્રાવણના અંતિમ સોમવારે શિવાલયોમાં શ્રૃંગાર દર્શન

છોટીકાશી ગણાતા જામનગર શહેરમાં ગઇકાલે શ્રાવણના અંતિમ સોમવારે શિવાલયોમાં ભાવિક ભકતોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી મોડી રાત્રી સુધી ભગવાન ભોળાનાથને રીઝવવા ભાવીકો ઉમટયા હતાં. બપોર બાદ વિવિધ શિવ મંદિરોમાં આકર્ષક શ્રૃંગાર દર્શન યોજાયા હતાં.

- Advertisement -

ગઇકાલે શ્રાવણ માસના અંતિમ સોમવારે છોટીકાશી તરીકે સુપ્રસિઘ્ધ જામનગર શહેર શિવમય બન્યુ હતું. શ્રાવણના અંતિમ સોમવારે શિવભકતોએ ભગવાન ભોળાનાથને બિલ્વપત્ર અર્પણ કરી જળાભિષેક અને દુગ્ધાભિષેક દ્વારા પૂજા-અર્ચના કરી હતી. વહેલી સવારથી શિવ મંદિરોમાં શિવભકતોની લાંબી લાઇનો લાગી હતી. મોડી રાત્રી સુધી દર્શનાર્થીઓએ દર્શન કરી પ્રાર્થના કરી હતી. બપોર બાદ શિવ મંદિરોમાં આકર્ષક શણગાર દર્શન યોજાયા હતાં. જામનગરના બેડેશ્ર્વર વિસ્તારમાં આવેલ બેડેશ્ર્વર મહાદેવ મંદિરે રૂની આઠ ફુટ ઉંચી શિવલીંગના દર્શન યોજાયા હતાં. શહેરના હવાઇ ચોક વિસ્તારમાં આવેલ વૈજનાથ મહાદેવ મંદિરે પણ રૂથી બનાવેલ શિવલીંગના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. દરબારગઢ શાકમાર્કેટ નજીક ગીરધારી મંદિર પાસે આવેલ રામેશ્ર્વર મહાદેવ મંદિરે રંગોળીના કલર વડે શણગાર કરવામાં આવ્યો હતો. કાલાવડ નાકા બહાર આવેલ બાલનાથ મહાદેવ મંદિરે 12 જ્યોતિલીંગની ઝાંખી સાથે ફુલોની રંગોળીથી શણગાર કરાયો હતો.

- Advertisement -

શહેરના પંચવટી વિસ્તારમાં આવેલ નર્મદેશ્ર્વર મહાદેવ મંદિરે ફુલોના શણગારની સાથે દિપમાળાના દર્શન યોજાયા હતાં. પંચેશ્ર્વર ટાવર પાસે આવેલ ગૌરીશંકર મહાદેવ મંદિરે કઠોળની રંગોળી કરી મહાદેવને શણગાર કરવામાં આવ્યો હતો. પંચેશ્ર્વર ટાવર પાસે આવેલ ઓમકારેશ્ર્વર મહાદેવ મંદિરે જંગલનો શણગાર કરાયો હતો. પંચેશ્ર્વર ટાવર પાસે આવેલ કુબેર ભંડારી મહાદેવ મંદિરે પણ આકર્ષક શણગાર દર્શન યોજાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular