જામનગરમાં આગ અને અકસ્માત જેવી આપત્તિજનક પરિસ્થિતિમાં બચાવ કામગીરીને વધુ ઝડપી અને અસરકારક બનાવવા માટે ફાયરબ્રિગેડને અત્યાધુનિક ફાયર મશીનરીની ભેટ મળી છે. રાજ્ય સરકાર દ્વારા આશરે રૂ.૨૦ કરોડના ખર્ચે ૬૦ મીટર સુધીની ઊંચાઈએ કામ કરી શકે તેવી અત્યાધુનિક ટર્ન ટેબલ લેડર મશીનરી જામનગર ફાયર સ્ટેશનને ફાળવવામાં આવી છે. શહેરમાં સતત વધી રહેલી બહુમાળી ઇમારતોને ધ્યાનમાં રાખીને આ મશીનરી ફાયરબ્રિગેડ માટે મહત્વપૂર્ણ સાધન સાબિત થશે.
આ પ્રકારની ૬૦ મીટર સુધીની ઊંચાઈએ કામ કરી શકતી ટર્ન ટેબલ લેડર મશીનરી ગુજરાતમાં હાલમાં માત્ર બે સ્થળે ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે. તેમાં એક વાહન જામનગરને મળ્યું છે, જ્યારે બીજું ગાંધીનગર પાસે ઉપલબ્ધ છે. જેના કારણે જામનગર ફાયરબ્રિગેડની રેસ્ક્યુ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે.
આ ટર્ન ટેબલ લેડર મશીનરીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે આશરે ૬૦ મીટર એટલે કે ૨૦ માળ સુધીની ઊંચાઈ પર પહોંચી શકે છે. હાઇરાઇઝ બિલ્ડિંગમાં આગ લાગવાની કે અન્ય અકસ્માતની ઘટના બને ત્યારે સામાન્ય ફાયર ટેન્ડર માટે જ્યાં સુધી પહોંચવું મુશ્કેલ બને છે, ત્યાં આ અત્યાધુનિક વાહન સીધી ઊંચાઈ સુધી પહોંચી રેસ્ક્યુ અને બચાવ કામગીરીમાં મદદરૂપ બની શકશે.
મશીનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ખાસ લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ લિફ્ટની ક્ષમતા આશરે ૩૦૦ કિલોગ્રામ છે. મહત્વની વાત એ છે કે લિફ્ટ ખૂબ જ ઝડપથી ઉપર-નીચે થઈ શકે છે અને આશરે ૧૦ સેકન્ડમાં તેની અવરજવર કરી શકે છે. જેના કારણે બહુમાળી ઇમારતમાં ફસાયેલા લોકોને ઝડપથી સલામત સ્થળે લાવવામાં મદદ મળી શકે છે.
ટર્ન ટેબલ લેડરમાં રેસ્ક્યુ ઉપરાંત આગ બુઝાવવાની કામગીરી માટે પણ ઉપયોગ કરી શકાય તેવી વ્યવસ્થા છે. તેમાં અલ્ટ્રા વોટર કેપેસિટી મોનિટર લગાવી શકાય છે. આ મોનિટરને બૂમ ટાવર મોનિટર તરીકે ઉપયોગમાં લઈ મોટી ઊંચાઈએ લાગેલી આગ પર પાણીનો મારો કરવામાં પણ મદદ મળી શકે છે. આમ, એક જ મશીનરી રેસ્ક્યુ તેમજ ફાયર ફાઇટિંગ બંને કામગીરીમાં ઉપયોગી બની શકે છે.
જામનગરમાં બહુમાળી રહેણાંક અને કોમર્શિયલ ઇમારતોની સંખ્યા વધી રહી છે ત્યારે ફાયરબ્રિગેડને મળેલી આ અત્યાધુનિક મશીનરી આગ, અકસ્માત કે અન્ય આપત્તિના સમયે ૨૦ માળ સુધી ફસાયેલા લોકોને બચાવવા તેમજ ઊંચાઈ પર લાગેલી આગ સામે કાર્યવાહી કરવા માટે મહત્વપૂર્ણ સાધન બની રહેશે.


