જામનગર મહાનગરપાલિકાના કમિશનર તેમજ જામનગર જિલ્લા વિકાસ અધિકારીની રાજ્ય સરકાર દ્વારા બદલી કરવામાં આવી છે. જામનગરના કમિશનર તરીકે દીપેશ કેડિયાની નિમણૂંક કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા આજે રાજ્યભરના 72 જેટલા ઉચ્ચ વહીવટી અધિકારીઓના બદલી આદેશો જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાં જામનગર જિલ્લાનો પણ સમાવેશ થયો છે. જામનગર મહાનગર પાલિકાના કમિશ્નર ડી.એન. મોદી તથા જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) અંકિત પન્નુની બદલી કરવામાં આવી છે.
જામનગર મહાનગર પાલિકાના કમિશનર તરીકે ફરજ બજાવતા ડી. એન. મોદીની ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને રાજય સરકાર તરફથી દીપેશ કેડિયાની જામનગર મહાનગર પાલિકાના નવા કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત જામનગર જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની અમદાવાદ ખાતે નાયબ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને ભરૂચથી નિશાની નવા ડીડીઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
રાજ્ય સરકારના આ બદલી આદેશોને પગલે જામનગરના વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો નોંધાયા છે. નવા અધિકારીઓ આગામી દિવસોમાં ચાર્જ સંભાળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ વ્યાપક બદલી પ્રક્રિયાને વહીવટી ગતિશીલતા અને કામગીરીમાં વધુ અસરકારકતા લાવવાના ભાગરૂપે જોવામાં આવી રહી છે.


