ધ્રોલ તાલુકા માણેકપર ગામમાં શ્રમિક પરિવારના બે બાળકો 10 વર્ષની પુત્રી અને 8 વર્ષનો પુત્ર બન્ને ભાઈ-બહેનો ચેક ડેમના કાંઠા પાસે રમતા પગ લપસી જતા ચેકડેમના ખાડામાં પડયા બાદ ડૂબી જતા કરુણ મૃત્યુ નિપજ્યું હતું. માસુમ ભાઈ-બહેનના મૃત્યુથી શ્રમિક પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઇ છે.
આ કરુણાંતિકાની વિગત મુજબ, જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના માણેકપર ગામમાં રહેતાં અને ખેતમજૂરી કરતા અનિલભાઈ સુનાભાઈ ભુરીયા નામના પરપ્રાંતિય શ્રમિકના બે સંતાનો, પુત્રી, અનિતા (ઉ.વ.10) તથા પુત્ર અવિનાશ (ઉ.વ.8) બન્ને ભાઈ-બહેનો તા.21 ના રોજ સાંજના સમયે તેમની વાડી પાસે આવેલ ચેકડેમના કાંઠા ઉપર રમતા હતા. આ દરમિયાન રમતા રમતા બન્ને ભાઈ-બહેનનો પગ લપસી જતા ચેકડેમમાં આવેલ ખાડામાં પડી ગયા હતા. ખાડાના પાણીમાં ડૂબી જતા ભાઈ-બહેનના કરુણ મૃત્યુ નિપજ્યા હતાં. આ બનાવને પગલે શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ ઘટનાની મૃતકના પિતા અનિલભાઈ દ્વારા પોલીસને જાણ કરાતા ધ્રોલ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બન્ને બાળકોના મૃતદેહોનો કબ્જો સંભાળી ધ્રોલની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.