સ્ટાર ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા અને તેમના ધારાસભ્ય પત્ની રિવાબા જાડેજાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરી હતી. આઈપીએલ-2023માં ચેન્નાઈ સુપરકિંગ્સની ટક્કર દિલ્હી કેપિટલ્સ સામે શનિવારે થવાની છે. આ મુકાબલો અરૂણ જેટલી સ્ટેડિયમ ઉપર રમાશે. આ જ કારણથી રવીન્દ્ર અત્યારે દિલ્હીમાં છે. રવીન્દ્ર જાડેજાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત બાદ ટવીટર પર એક તસવીર શેયર કરી છે. આ સાથે કેપ્શનમાં તેમણે લખ્યું કે, કેવી રીતે વડાપ્રધાન અથાગ મહેનત સાથે સાથે સમર્પણનું ઉમદા ઉદાહરણ આપી રહ્યા છે. રવીન્દ્રએ લખ્યું કે તમને મળીને બહુ સારૂં લાગ્યું નરેન્દ્ર મોદી તમે આપણી માતૃભૂમિ માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છો. મને ભરોસો છે કે તમે લોકોને આ જ રીતે પ્રેરિત કરતા રહેશો.
આઈપીએલ-2023માં જાડેજા શાનદાર ફોર્મમાં રમી રહ્યા છે. અત્યાર સુધી રમાયેલી 13 મેચમાં રવીન્દ્રના નામે 16 વિકેટ છે. તેમણે માત્ર 7.22ની ઈકોનોમીથી રન ખર્ચ કર્યા છે. બેટિંગમાં નીચલા ક્રમે આવીને તેમણે 133 રન પણ બનાવ્યા છે. હવે દિલ્હી સામે શનિવારે ચેન્નાઈનો મુકાબલો છે ત્યારે તેમાં તે જીત મેળવીને પ્લેઑફમાં પોતાની જગ્યા પાક્કી કરવા માંગશે.