કોરોનાનો કાળો કહેર હજૂ થંભવાનું નામ લેતો નથી. દિન-પ્રિતિદિન કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં વધારો થવાની સાથે દર્દીઓનો વધારો થઇ રહ્યો છે. જામનગરમાં સતત ત્રીજા દિવસે કોરોનાએ રેકોર્ડ બ્રેક કેસ નોંધાવ્યા છે. જામનગરમાં છેલ્લાં 24 કલાક દરમ્યાન કુલ 245 કેસ નોંધાયા છે. જેમાં જામનગર શહેરમાં કુલ 128 કેસ અને જામનગર ગ્રામ્યમાં કુલ 117 નોંધાયા છે. જયારે અંદાજે સાતથી આઠ મહિના બાદ જામનગરના સરકારી ચોપડે જામનગર શહેર અને ગ્રામ્યમાં કોરોનાથી એક-એક દર્દીનું મોત થયાનું જાહેર થયું છે.

જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના તાંડવ મચાવી રહ્યો છે.કોરોનાના વધતાં સંક્રમણથી હવે સ્થિતિ બેકાબુ બનતી હોય તેવું જોવા મળી રહ્યું છે. જામનગરમાં મોટાં પ્રમાણમાં લોકો કોરોનાની ઝપટે ચડી રહ્યાં છે. છેલ્લાં ત્રણ દિવસથી જામનગરમાં કોરોનાના કેસોનો આંક સતત વધી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લાં બે સપ્તાથી પોઝિટીવ કેસોની સંખ્યા વધી રહી છે. ત્યારે જામનગરમાં પણ કોરોનાનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જામનગરમાં છેલ્લાં 24 કલાક દરમ્યાન શહેરમાં 128 કોરોના પોઝિટીવ અને ગ્રામ્યમાં 117 પોઝિટીવ કેસ સામે આવ્યાં છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કુલ 261838 સેમ્પલોનું પરિક્ષણ થયું છે. આજે જામનગર શહેરમાં 40 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. જયારે જામનગરમાં લાંબા સમય બાદ સરકારી ચોપડે શહેરમાં એક મૃત્યુ નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, જામનગરમાં મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે. શહેરના સ્મશાનમાં કોરોનાની સરકારી ગાઇડલાઇન મુજબ થતાં અતિમસંસ્કારનો આંક વધી રહ્યો છે.પરંતુ જામનગર શહેરમાં સરકારી ચોપડે મૃત્યુનો આંકડો ગત વર્ષની સ્થિથિ મુજબ હાલતો હતો. જે હવે 21 માંથી 22 થયો છે.
જામનગર ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 210546 કોરોના સેમ્પલનું પરિક્ષણ થયું છે. જ્યારે 06 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. આજે જામનગર ગ્રામ્યમાં પણ એક દર્દીનું કોરોનાથી મૃત્યુ થયાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જામનગર શહેરની માફક ગ્રામ્યમાં પણ છેલ્લાં ઘણાં સમયથી કોરોનાથી મૃત્યુનો આંકડો સરકારી ચોપડે સ્થિર હતો. જેમાં આજે કોરોનાથી એક મોત દર્શાવાયું છે. જામનગર ગ્રામ્યમાં મોતનો આંકડો સરકારી ચોપડે 14 થી 15 થયો છે. કોરોનાનો ફુફાડો દિનપ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે વહીવટી તંત્રમાં પણ સતત ચિંતા જોવા મળી રહી છે.
કોરોના દર્દીઓના સતત વધતાં ગ્રાફ વચ્ચે જામનગર મહાનગરપાલિકાએ જાહેર સ્થળો પર નિયંત્રણો લાદી દીધા છે. જે અંતર્ગત જામનગરના લાખોટા તળાવ, જામરણજીતસિંહ પાર્ક અને એમ્યુઝમેન્ટપાર્ક 20 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જયારે લાખોટા તળાવ ખાતે સવારે 06 થી 09 સુધી જ મોર્નિંગવોકની મંજૂરી આપવામાં આવી છે.