દ્વારકામાં શનિવાર તારીખ 11 મી થી શરૂ કરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનના આજે આઠમા દિવસે બેટ દ્વારકા બાદ દ્વારકા વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં દ્વારકાના ખારા તળાવ વિસ્તારમાં આજે સવારથી કાર્યવાહી શરૂ કરાઈ હતી.
જાવા મળતી વિગત મુજબ બેટ દ્વારકા વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી મહદ અંશે પૂર્ણ થઇ ચૂક્યા બાદ આજે સવારથી દ્વારકામાં ડિમોલીશન અંગેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે આઠમા દિવસે દ્વારકાના રુકમણી મંદિર પાસેના ખારા તળાવ નજીકના દબાણો દૂર કરવામાં આવ્યા છે.જેમાં વર્ષો જુના એક ધાર્મિક દબાણને હટાવવામાં આવ્યું છે.
ખારા તળાવ વિસ્તારમાંથી દબાણો દૂર કરી અને સરકારની અમૃત 2 સ્કીમ હેઠળ અહીંના લોકોને પીવાન પાણીની સુવિધાઓ પ્રાપ્ય બને તે માટેની જરૂરી કાર્યવાહી નજીકના દિવસોમાં થશે. તેમ પ્રાંત અધિકારી દ્વારા જણાવાયું છે. આ સાથે અન્ય ત્રણ જેટલા ધાર્મિક દબાણો પણ દૂર થાય તેવી સંભાવના જોવા મળી રહી છે.
દ્વારકાના એસ.ડી.એમ. અમોલ આવટે અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની અધ્યક્ષતામાં જારી રાખવામાં આવેલી આ કામગીરીમાં હવે મીઠાપુર નજીકના આરંભડા વિસ્તારમાં પણ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવનાર ોવાનું જાણવા મળ્યું છે.