Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરજામનગર ‘મારે શું ?’,‘મને શું ?’ તેમાંથી કયારે બહાર નિકળશે ?!!

જામનગર ‘મારે શું ?’,‘મને શું ?’ તેમાંથી કયારે બહાર નિકળશે ?!!

શહેરમાં વર્ષોથી રહેલી ટ્રાફિક સમસ્યા અવિરત: દોઢ ડઝન જેટલા ટ્રાફિક પોઈન્ટ : ટ્રાફિક પોલીસને મદદ માટે 100 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો

- Advertisement -

રાજ્યમાં પોલીસ તંત્ર ધીમે-ધીમે ડીજીટલાઈઝેશન અને હાઈટેક બની રહ્યું છે. તમામ જિલ્લાના મુખ્ય મથકોએ પોલીસને હાઈટેક સુવિધાઓ સભર વાહનો ફાળવવામાં આવ્યા છે. જેથી કરીને ગુનાહિત પ્રવૃત્તિઓને કાબુમાં લેવામાં આવે અને લોકોમાંથી ગુનેગારો પ્રત્યે ભય દૂર થાય. આધુનિકરણ સારી બાબત છે. પરંતુ તેના ફાયદાની સાથે-સાથે ગેરફાયદા પણ જોવા મળી રહ્યા છે. પહેલાં પોલીસ સ્થળ પર ચલણ ફટકારી દંડ વસૂલ કરતી હતી. હવે સીસીટીવી કેમેરા દ્વારા દંડ વસૂલ કરવામાં આવે છે. આપણે માત્ર જામનગર શહેરની જ વાત કરીએ તો આધુનિકરણમાં સીસીટીવી કેમેરા દ્વારા વાહનચાલકોને દંડ ફટકારવામાં આવે છે પરંતુ, દુ:ખદ બાબત એ છે કે, કોઇપણ મુખ્ય માર્ગ પર કે ચોકડી પર જ્યાં ટ્રાફિક પોલીસ અથવા ટ્રાફિક બ્રિગેડના જવાનો ફરજ બજાવતા હોય તેવો આમ તો સમયના બઉ પાબંધ જોવા મળે છે અને પોતાના પોઇન્ટ પર પોણા પાંચ વાગ્યામાં સ્થળ પર હાજર બેસેલા જોવા મળે છે. તો અમુક પોઇન્ટ ઉપર તો આ પોલીસકર્મીઓ સાંજના સાત વાગ્યા સુધી શહેરના મુખ્ય માર્ગ પરના પોઇન્ટ પર બેસેલા જ રહે છે.

- Advertisement -

ખરેખર ટ્રાફિક પોઇન્ટ પર ફરજ પરના પોલીસકર્મીની જવાબદારી કેવી અને કેટલા સમયની હોય છે ? શહેરના જી. જી. હોસ્પિટલ જેવા પોઇન્ટ ઉપર સાંજના 7 વાગ્યે પણ ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો સાઈડમાં બેસેલા જ હોય છે પછી ભલેેને ટ્રાફિક વાહનચાલકોની રીતે અવર જવર થતો હોય. મારે શું…! અને અમુક પોઇન્ટ પર તો જવાનો તો એક સાઈડ બંધ કર્યા પહેલાં જ બીજી સાઈડ ખોલી નાખતા હોય છે. જેના કારણે બંધ ન કરેલી સાઈડ પરથી કોઇ પરિવાર ટુવ્હીલર પર પસાર થાય અને બીજી સાઈડ ખુલ્લી ગઈ હોય જેમાંથી પસાર થતા વાહનને કારણે અકસ્માત બને તો જવાબદારી કોની ? શહેરમાં અમુક ઠેકાણે એવી પણ ચર્ચાઓ થતી હોય છે કે પોઇન્ટ પર રહેલા ટ્રાફિક બ્રિગેડના જવાનોને ટ્રાફિકના નિયમોની અને સાઈડ ખોલ-બંધ કરવાની સંપૂર્ણપણે માહિતી આપવાની જરૂર હોય તેવું જણાઈ રહ્યું છે તો બીજી તરફ આધુનિકરણમાં શહેરના ટ્રાફિક સિગ્નલો હજીપણ 18મી સદીના હોય તેવો જ દરેક શહેરીજનોને અનુભવ રોજબરોજની જિંદગીમાં થતો હોય છે.

આધુનિકરણ સરાહનીય છે પરંતુ સીસીટીવી કંટ્રોલ રૂમમાં ફરજ પર રહેલા અધિકારી ફૂટેજના આધારે વાહનચાલકોને દંડ ફટકારતા હોય છે અને ચલણ જે-તે વાહનધારકને તેેના ઘરે જ પહોંચી જાય છે. ત્યારે એક બાબત એવી પણ છે કે, સીસીટીવી આવ્યા બાદ ટ્રાફિક પોલીસ દ્વારા સ્થળ પર વાહનોનું ચેકિંગ કરી દંડ કરવાની કામગીરી તો જાણે અદ્રશ્ય થઈ ગઈ છે.!! કેમ કે પોઈન્ટ પર ફરજ બજાવતો ટ્રાફિક પોલીસ એવું વિચારે કે ‘સીસીટીવી આવી ગયા છે. તો તેઓ દંડ તો ફટકારશે જ.’ તેમ વિચારી ફરજ પરનો ટ્રાફિક પોલીસ વાહનધારકને અટકાવતો નથી. જેના કારણે કોઇપણ વાહનધારક વન-વેમાં ઘુસી જાય તો પણ ફરજ પરના ટ્રાફિક પોલીસ કર્મચારી તેને અટકાવતા નથી અને દંડ પણ વસૂલતા નથી કે વન વે માં ગયા બાદ પરત પણ નથી બોલાવતા. જેના કારણે અકસ્માત થવાની શકયતાઓ અનેકગણી વધી જાય છે. આ પરિસ્થિતિને કારણે શહેરના રાજમાર્ગો પર 18 વર્ષથી નીચેની વયના બાળકો કે તરૂણો પોતાની બાઇક કે ઈલેકટ્રીક વ્હીકલ લઇને ગીત વગાડતા વગાડતા મન ફાવે તેમ બેરોકટોક વાહન ચલાવતા હોય છે અને અમુક કારચાલકો તો રાત્રીના સમયે જાણે શહેરમાં કાર રેસ લાગી હોય તે રીતે પોતાની કાર લઇને શહેરના રાજમાર્ગો પર બેખોફ પરિવહન કરતા હોય છે જેના કારણે પ્રજામાં હંમેશા ફફડાટ રહે છે.

- Advertisement -

શહેરની સૌથી મોટી એવી જી. જી. હોસ્પિટલ વાળા માર્ગ પર આવા વાહનચાલકો પૂરઝડપે પોતાના વાહનો ચલાવતા હોય છે ત્યારે ફરજ પરનો ટ્રાફિક પોલીસ કર્મચારી સીસીટીવી હોવાના કારણે એમ વિચારતો હોય કે મને શું ? તેવી સ્થિતિ માનસિકતા નિર્માણ પામી હોવાનું શહેરના ટ્રાફિક પરિવહન ઉપરથી જણાઈ રહ્યું છે. છેલ્લાં એક માસ દરમિયાન પંડિત નહેરૂ માર્ગ પર એક પછી એક અકસ્માતોની ઘટનાઓ એ રોડ પરથી પસાર થતા શહેરીજનોમાં ફફડાટ ફેલાવી દીધો છે કેમ કે એક અકસ્માતમાં તો કારચાલકે ડીવાઈડર તોડી નાખ્યું હતું…બીજા અકસ્માતમાં ડીવાઈડરની ઉપર કાર ચડાવી દીધી હતી તો થોડા સમય અગાઉ હિટ એન્ડ રન ઘટના પણ બની ગઇ છે. બીજી તરફ શહેરમાં ઓવરબ્રીજનું નિર્માણ થઈ રહ્યું હોય જેથી અનેક માર્ગો વધુ સાંકળા બની ગયા છે. જો પોઇન્ટ પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ વન-વે માં અથવા રોંગસાઈડમાં જતા વાહનચાલકોને અટકાવવાની તથા સ્થળ પર નંબર પ્લેટ વગર અને આરસી બુક, ઈન્સ્યોરન્સ જેવી તપાસ કરવાની કામગીરી વધુ કરશે તો પ્રજામાં પણ મહદઅંશે જાગૃત્તતા આવવાની શકયતાઓ રહેલી છે.

પરંતુ જો ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ ‘સીસીટીવી કંટ્રોલ રૂમ’ માં ફરજ બજાવતા કર્મચારીઓ દંડ કરશે તેવી વિચારણા રાખીને જો સ્થળ પર જ શંકાસ્પદ જણાતા કે રોંગસાઈડમાં જતા અથવા તો પૂરઝડપે પસાર થતા વાહનચાલકોને અટકાવશે નહીં તો અકસ્માતોની ઘટનાઓ અવિરત બનતી રહેશે અને આ અકસ્માતોમાં પ્રજાનો ભોગ લેવાતો રહેશે. શહેરના મોટાભાગના ટ્રાફિક પોઈન્ટ પરના પોલીસ કર્મચારીઓ તેની ફરજના સમયનો મહતમ સમય બાજુમાં બેસવામાં જ પસાર કરતાં હોય છે તે લગભગ જામનગરના મોટાભાગના શહેરીજનોએ નિહાળ્યું જ હશે!
જામનગર શહેરની ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરવા માટે પોલીસ અધિક્ષક ગંભીરતાથી વિચારણા કરે તો શહેરની આ સમસ્યા હલ થઈ શકે તેમ છે. પરંતુ તેના માટે શહેરના ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા પોલીસકર્મચારીઓેએ વિચારશકિત બદલવી પડે અને મારે શું ? કે મને શું ? તેમાંથી બહાર નિકળવું પડે. એક તરફ ટ્રાફિક હળવો કરવા માટે પ્રજાના પરસેવાની કમાણીના કરોડો રૂપિયાનો ખર્ચ કરી ઓવરબ્રીજ બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ સિવાયના માર્ગો પર પોલીસ કર્મીઓ નિષ્ઠાથી અને પૂરતો સમય માત્રને માત્ર ફરજમાં જ આપે તો વર્ષો જૂની જટિલ એવી ટ્રાફિક સમસ્યા ગણતરીના દિવસોમાં હલ થઈ શકે તેમ છે અને પોલીસની આ સતર્કતાને કારણે શહેરમાં થતાં અકસ્માતો પણ અટકાવી શકાય તેમ છે.

- Advertisement -

મુખ્ય પોઇન્ટ પર ફરજ પર રહેલા પોલીસકર્મીઓ સાઈડમાં બેસીને અલક-મલકની વાતો તથા શહેરની જટિલ સમસ્યાઓ અંગે ચર્ચા વિચારણા કરતા હોય છે એવું પણ નથી કે પોલીસ સ્થળ પર વાહનોના ચેકિંગ કરતી નથી સમયાંતરે જુદા જુદા માર્ગો પર વાહનોનું ચેકિંગ પણ થતું હોય છે પરંતુ વાત એ છે કે ફરજ પર રહેલા દરેક ટ્રાફિક પોલીસે હંમેશા જ્યાં સુધી તે ફરજ પર હોય તે દરમિયાન સર્તક રહી શહેરીજનોને પણ સર્તક રાખવા જોઇએ જેથી કરીને અકસ્માત નિવારી શકાય. તો શહેરના પ્રવેશ દ્વાર ખંભાળિયા માર્ગ પર વહેલીસવારે અને સાંજના સમયે અસંખ્ય વાહનોની અવર-જવર થતી હોય છે અને અને ઘણી વખત ટ્રાફિક જામની સમસ્યાનો પ્રજાએ જ સામનો કરવો પડે છે. આવા મુખ્ય પ્રવેશદ્વારો કે જ્યાં ટ્રાફિક જામની સમસ્યા રહેતી હોય ત્યાં પોલીસ કર્મીએ એલર્ટ રહી વાહનોનું સતત પરિવહન કરાવવું જોઇએ જેથી ટ્રાફિક જામની સમસ્યા ન રહે અને ઘણી વખત તો શહેરના આ માર્ગ પર અમુક જગ્યાએ બેરીગેટ મૂકી દેવામાં આવે છે અને થોડા સમય પછી પરત લઇ લેવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular