આજે સવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયામાં મેઘાવી માહોલ છવાયા બાદ ધોધમાર વરસાદ શરુ થતાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં. વાંસજાળિયા, સમાણા, ધ્રાફા, હડિયાણા તથા દ્વારકાના કલ્યાણપુરમાં વરસાદી ઝાપટા સિવાય અન્યત્ર ઉઘાડ જોવા મળ્યો હતો. જો કે, ગરમી અને બફારાથી લોકો પરેશાન થયા હતા.
આજે સવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયામાં સવારથી જ મેઘાવી માહોલ જોવા મળ્યા બાદ મેઘરાજા મનમુકીને વરસતા હોય તેવો માહોલ સર્જાયો હતો. ભાટિયામાં મેઘરાજાની ધમાકેદાર પધરામણીથી ઠેર-ઠેર પાણી ભરાયા હતાં. હાલાર પંથકમાં મંગળવારે વરસેલા સાર્વત્રિક વરસાદ બાદ ગઇકાલે બુધવારે મેઘવિરામ રહ્યો હતો. જામનગર શહેર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા વરસાદી ઝાપટા-સિવાય અન્યત્ર ઉઘાડ જોવા મળ્યો હતો. જામનગર જિલ્લામાં જામજોધપુર તાલુકાના વાંસજાળિયામાં 9 મી.મી. સમાણામાં 7 મી.મી., ધ્રાફામાં પ મી.મી. તથા જોડિયા તાલુકાના હડિયાણામાં 4 મી.મી.ના સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ચઢતા પહોરે જોરદાર ઝાપટાથી 4 મી.મી. પાણી વરસ્યું હતું. જયાર. હાલાર પંથકના અન્ય ભાગોમાં વાતાવરણ ચોખ્ખું રહયું હતું. જો કે, ગરમી અને બફારા ભર્યો માહોલ યથાવત રહેતા લોકો અકળાયા હતા.
આજે સવાર સુધીમાં ખંભાળિયા તાલુકામાં કુલ 31 ઇંચ સાથે જિલ્લાામાં કુલ સરેરાશ વરસાદ 20 ઇંચ પડી ચૂકયો છે. જયારે જામનગર જિલ્લામાં સરેરાશ 10 ઇંચ જેટલો વરસાદ થયો છે. જામનગરમાં છેલ્લા 24 કલાક દરમ્યાન લઘુતમ તાપમાન 27 ડિગ્રી મહતમ તાપમાન 34.6 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 97 ટકા તથા પવનની ગતિ પ.9 કિ.મી. પ્રતિ કલાક નોંધાઇ હતી.