ખંભાળિયા તાલુકામાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને તા. 28-12-2022 ના રોજ મૂળ સોનારડી ગામના રહીશ અને હાલ સોઢા તરઘડી ગામના જયરાજસિંહ રામસંગ જાડેજા નામના 24 વર્ષના શખ્સે આ સગીરાને લલચાવી, ફોસલાવીને બદકામ કરવાના ઈરાદાથી લગ્ન કરવાની લાલચ આપીને તેણીના માતા-પિતાના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયા બાદ તેના દ્વારા સગીરા સાથે શરીર સંબંધ બાંધી, દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
આ સમગ્ર પ્રકરણ અંગે સગીરાના પરિવારની ફરિયાદ પરથી પોલીસે આરોપી જયરાજસિંહ રામસંગ જાડેજા સામે આઈપીસી કલમ 363, 366, 376 તથા પોકસો એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું.
એડિશનલ સેશન્સ જજ એસ.જી. મનસુરી સમક્ષ કેસ ચાલી જતા આ કેસમાં ભોગ બનનાર, ફરિયાદી અને મેડિકલ ઓફિસરની જુબાની તેમજ વિવિધ આધાર પુરાવાઓ સાથે સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખી, એડિશનલ સેશન્સ જજ મનસુરી દ્વારા આરોપી જયરાજસિંહ રામસંગ જાડેજાને તકસીરવાન ઠેરવીને દસ વર્ષની સખત કેદ તથા જુદા જુદા ગુનાઓમાં કુલ રૂ. 17,500 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ સાથે ભોગ બનનાર સગીરાના સામાજિક, આર્થિક અને માનસિક પુનર્વસન માટે તેણીને વિટનેસ કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા એક લાખનું વળતર ચૂકવવા માટે પણ હુકમ કર્યો છે.