દ્વારકામાં રહેતા એક વિપ્ર આસામીએ તેમના કૌટુંબિક પરિવારજનોને નબળી આર્થિક પરિસ્થિતિના કારણે રહેવા આપેલું મકાન તેઓએ પચાવી પાડતા આ પ્રકરણમાં મહિલાઓ સહિત કુલ પાંચ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા તાલુકાના ઓખાના નવીનગરી વિસ્તારમાં રહેતા દિવ્યકાન્તભાઈ ઉર્ફે દિવ્યેશ વિષ્ણુપ્રસાદ જોષી નામના 49 વર્ષના બ્રાહ્મણ યુવાને દ્વારકા પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ દ્વારકાના બિરલા પ્લોટ વિસ્તારમાં આવેલી તેમની રેવન્યુ સર્વે નંબર 33/1 જમીનના પ્લોટ નંબર 16 પર તેઓએ બનાવેલું મકાન તેમના નજીકના સંબંધી એવા રાજેશભાઈ છોટાલાલ જોષીની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેમને રહેણાંક હેતુ માટે આપ્યું હતું.
વર્ષ 2004માં ફરિયાદી દિવ્યકાન્તભાઈ જોષીએ રાજેશભાઈ છોટાલાલ જોષીને આપેલું આ મકાન થોડા સમય પૂર્વે ખાલી કરવાનું કહેતા આરોપી રાજેશભાઈ તેમજ તેમના પરિવારના અસ્મિતાબેન રાજેશભાઈ જોષી, કોમલબેન રાજેશભાઈ જોષી, કિંજલબેન રાજેશભાઈ જોષી તેમજ ધવલ રાજેશભાઈ જોષીએ આ મકાન ખાલી કર્યું ન હતું. આમ, નબળી આર્થિક પરિસ્થિતિના કારણે આપવામાં આવેલું મકાન ખાલી ન કરીને ગેરકાયદેસર રીતે આ જગ્યા પચાવી પાડવા સબબ દ્વારકા પોલીસે દિવ્યકાન્તભાઈ ઉર્ફે દિવ્યેશભાઈ જોષીની ફરિયાદ પરથી પાંચેય આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગની ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ એ.એસ.પી. રાઘવ જૈન ચલાવી રહ્યા છે.