રાજ્યના હવામાન વિભાગ દ્વારા તૌકતે વાવાઝોડાની આગાહી કરી છે. સંભવિત વાવાઝોડાની આગાહીને ધ્યાને લઇ જામનગરનું વહીવટીતંત્ર સાબદુ થઇ ચૂકયું છે. જામનગરમાં વાવાઝોડાની સંભાવનાને પગલે તંત્ર દ્વારા એકશન મોડમાં આવી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. જામનગર મહાનગરપાલિકા તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંભવિત વાવાઝોડાને ધ્યાનમાં રાખીને સલામતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા, વૃક્ષો કાપવા, મોટા હોર્ડિંગસ ઉતારવા, ભૂગર્ભ ગટર સફાઇ સહિતની કામગીરીઓ હાથ ધરવામાં આવી હતી.
જામનગરમાં સોમવાર અને મંગળવારે ભારે વરસાદની તથા વાવાઝોડાની આગાહી હોવા છતાં રવિવાર સુધી મહાનગરપાલિકા દ્વારા હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા ન હતાં. પરંતુ રહી-રહીને જાગેલા મહાનગરપાલિકાએ બાદમાં જામનગર શહેરમાં મોટા બિલ્ડીંગો તથા જાહેર માર્ગો ઉપર લાગેલા હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. જે અંતર્ગત આજે સવારના 10 વાગ્યા સુધીમાં 998 જેટલા હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા હતાં. આ ઉપરાંત જામનગરમાં વાવાઝોડાની આગાહીને ધ્યાને લઇ એનડીઆરએફની ટીમે પણ તૈનાત કરવામાં આવી છે. ગઉછઋની ટીમના 25 જવાન અને બોટ સાથેની એક ટીમને જોડીયા અને ધ્રોલ તાલુકા માં તાકીદની બચાવ અને રાહતની કામગીરી અર્થે જોડીયા ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે.
જામનગરમાં વાવાઝોડાની સાથે અતિભારે વરસાદની સંભાવના રહેલી હોય, જેના પરિણામે નીચાણવાળા તેમજ પાણી ભરાવા સહિતની સમસ્યા સર્જાઇ તેવા વિસ્તારો તથા દરિયા કિનારાના વિસ્તારોમાંથી સલામતીના ભાગરૂપે લોકોને સ્થળાંતર પણ તંત્ર દ્વારા શરુ કરી દેવામાં આવ્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર સવારે 10 વાગ્યા સુધીમાં જામનગર જિલ્લામાં 2243 લોકોનું સ્થળાંતર કરી સલામત આશ્રય સ્થાન ખાતે ખસેડવામાં આવ્યા છે. તેમજ તેમની તમામ વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.
જામનગર જિલ્લામાં વાવાઝોડાને પહોંચી વળવા માટે તેમજ રાહત કામગીરી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહેસુલ વિભાગની 14 ટીમ, ફોરેસ્ટ વિભાગની 4 ટીમ, પીજીવીસીએલની 8 ટીમ, આરોગ્ય વિભાગની 12 ટીમ આ ઉપરાંત ક્યૂઆરટી ટીમની પણ રચના કરવામાં આવી છે. જેથી વાવાઝોડાની પરિસ્થિતિમાં કોઇપણ આફત સામે તાત્કાલિક ધોરણે રાહત કાર્ય ઝડપી કાર્યવાહી કરી શકાય.
આ ઉપરાંત વાવાઝોડા દરમિયાન કોઇ આકસ્મિક ઘટના અથવા માંદગી તેમજ કોરોના મહામારી ચાલી રહી હોય, આ ત્રણ બાબતોને ધ્યાને લઇ જામનગરમાં 22 જેટલી એમ્બ્યુલનસ સાથે સમગ્ર 108ની ટીમ જરૂરી સાધનો સાથે સુસજજ થઈ ગઇ છે અને તમામ પરિસ્થિતિનો સામનો કરવા સતર્ક રહેશે. જામનગર શહેરમાં હાલમાં 108ની ટીમની 18 જૂની અને 4 નવી એમ્બ્યુલન્સ સહિત ટોટલ 22 એમ્બ્યુલેન્સ સાથે સ્ટાફ તૈયાર થઈ ગયો છે.
જામનગરમાં ગમે તેવી પરિસ્થિતિમાં હંમેશા 108 ટીમ તૈયાર હોય છે. હાલમાં વાવાઝોડા જેવા મુશ્કીલ સમયમાં પણ જામનગરની જનતાની સેવા કરવા સ્ટેન્ડ બાય રહેશે. જામનગરના જિલ્લા કલેકટરના આદેશ અનુસાર તમામ 22 એમ્બ્યુલન્સમાં જરૂરી સાધનો જેવા કે ઓકિસજન, બેટરી, ચાર્જિંગ તેમજ જરૂરી બધા સામનો સાથે સજ્જ થઈ ગઇ છે. જેમાં જામનગર જિલ્લાના પ્રોગ્રામ મેનેજર વગેરે દરેક કટોકટીના સમયમાં 24 કલાક હાજર રહેશે.
વાવાઝોડાની સંભાવનાના પગલે જામનગરમાં 2243 લોકોનું સ્થળાંતર
998 જેટલા હોર્ડિંગ્સ ઉતારાયા : એનડીઆરએફના 25 જવાન અને બોટ સાથેની એક ટીમ જોડિયા અને ધ્રોલ તાલુકામાં સ્ટેન્ડબાય