જોડિયા તાલુકાના લખતર ગામ નજીક ધ્રોલ-માળિયા હાઇવે પરથી પસાર થતી ઇકો કારનું ટાયર અચાનક ફાટી જતાં કાર પલ્ટી ખાઇ જવાથી વૃદ્ધાનું ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમ્યાન મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતાં ખીમજીભાઇ દેવજીભાઇ રાઠોડ (ઉ.વ.62) તેના પત્ની કંચનબેન ખીમજીભાઇ રાઠોડ (ઉ.વ.60), આરૂબેન, ધુનાબેન, સોનાબેન સહિતના ગત્ તા. 21ના રોજ કેતનભાઇની જીજે13 એએચ 4907 નંબરની ઇકો કારમાં જીરાગઢથી જામનગર તરફ આવતા હતા ત્યારે જોડિયા તાલુકાના લખતર ઓવર બ્રીજ નજીક ધ્રોળ-માળિયા હાઇવે પર ઇકો કારનું ટાયર અચાનક ફાટી જવાથી ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગૂમાવી દીધો હતો. ત્યારબાદ કાર પલ્ટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ચાર મહિલા અને ચાલક સહિતના પાંચ વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. ઉપરાંત કંચનબેનને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કંચનબેન ખીમજીભાઇ રાઠોડ નામના વૃદ્ધાનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પતિ ખિમજીભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. બી. એચ. લાંબરિયા તથા સ્ટાફે ઇકો કારના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


