કાલાવડ-બાલંભડી વચ્ચેના ધોરીમાર્ગ પરથી બાઇક પર પસાર થતાં વૃદ્ધને સામેથી આવતો બાઇકચાલક બાઇક સાથે અથડાતાં અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચતા વૃદ્ધનું મોત નિપજયું હતું. જોડિયા તાલુકાના રણજીતપર-બાલંભા વચ્ચેના વિસ્તારમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા પોલીસે ઓળખ મેળવવા તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ કાલાવડ તાલુકાના બામણ ગામમાં રહેતાં મગનભાઇ લક્ષ્મણભાઇ પાનસુરિયા (ઉ.વ.64) નામના વૃદ્ધ ગઇકાલે સાંજના સવા પાંચ વાગ્યાના અરસામાં કાલાવડથી બામણ ગામ તેના જીજે03 એએમ 1671 નંબરના બાઇક પર જતા હતા ત્યારે બાલંભડી ગામ નજીકના માર્ગ પર પહોંચ્યા તે સમયે સામેથી પુરપાટ અને બેફિકરાઇથી આવી રહેલા જીજે10 ડીકે 2546 નંબરનો બાઇક ચાલક વૃદ્ધના બાઇક સાથે ધડાકાભેર અથડાયો હતો. આ બાઇક અકસ્માતમાં મગનભાઇને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના ભત્રીજા રમેશભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. ડી. એસ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી બાઇક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ જોડિયા તાલુકાના રણજિતપર-બાલંભા ગામ વચ્ચે આવેલા ચોગલે કંપનીના વિસ્તારમાંથી અજાણ્યા પુરૂષ બેશુદ્ધ હાલતમાં મળી આવ્યાની કંપનીના સિક્યોરિટી સુપરવાઈઝર દિનેશભાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઇ કે. ડી. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા તપાસ આરંભી હતી.


