જોડિયા માર્કેટીંગ યાર્ડ પાસે રોડ ઉપર બંધ પડેલા ટ્રકની પાછળ ઈકો કાર ઘૂસી જતાં ઈકો કારચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકામાં રહેતાં કરીમભાઇ જાકુભાઈ ખ્યાર પોતાની જીજે-13-એબી-2730 નંબરની ઈકો ગાડીમાં ગત તા.22 ના રોજ સાંજના સમયે ભાદરાથી જોડિયા તરફ જતા હતાં ત્યારે જોડિયા માર્કેટીંગ યાર્ડ પાસે રોડ પર બંધ પડેલ જીજે-10-ટીએકસ-8545 નંબરના ટ્રકની પાછળ ઠાઠામાં ઈકો કાર ભટકાડતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈકો કાર ચાલક કરીમભાઇ જાકુભાઈ ખ્યારને ગંભીર ઈજા પહોંચતા સારવાર કારગત નિવડે તે પહેલાં જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ફરિયાદી અબ્દુલહમીર ફકીરમામદ ખ્યારને માથાને ભાગે તથા શરીરે ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ અંગેની જાણ થતા પીએસઆઈ આર ડી ગોહિલ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.