ભારત તથા ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાઈ ગયેલા હાઈ વોલ્ટેજ વર્લ્ડ કપ ક્રિકેટ ફાઇનલ મેચમાં ભારતની ટીમના નબળા દેખાવ વચ્ચે પરાજય થતા સમગ્ર દેશ સાથે ખંભાળિયાના ક્રિકેટ પ્રેમીઓમાં પણ હતાશા વ્યાપી જવા પામી હતી.
ક્રિકેટ વર્લ્ડ કપના પ્રારંભથી જ ભારતની મજબૂત ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરી અને જુદા-જુદા 10 મેચમાં અલગ-અલગ દેશની ક્રિકેટ ટીમોને પરાસ્ત કરી અને નોંધપાત્ર વિજય સાથેની સિદ્ધિઓ લઈને ફાઈનલ સુધી પહોંચ્યા બાદ ગઈકાલે રવિવારે અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે બપોરથી શરૂ થયેલા ક્રિકેટ મેચને નિહાળવા ખંભાળિયા તથા આસપાસના વિસ્તારોમાં લોકો ટીવી સામે ગોઠવાઈ ગયા હતા. આટલું જ નહીં, ખંભાળિયાની વેદાંત હોસ્પિટલ, યુવા ટીમ દ્વારા મ્યુનિ. ગાર્ડન, મઢૂલી રેસ્ટોરન્ટ વિગેરે જાહેર સ્થળોએ ક્રિકેટ ચાહકો દ્વારા સમૂહમાં ક્રિકેટ મેચ નિહાળવા માટે વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીન સહિતના સુંદર આયોજનમાં ખૂબ મોટી સંખ્યામાં અહીંના ક્રિકેટ રસિકો એકત્ર થયા હતા.
આ ફાઇનલ મેચના પ્રારંભથી જ ભારતના બેટરોનો નબળો દેખાવો ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને તેમની બેટિંગમાં પણ હંફાવી ન શકતા આખરે ભારતની ટીમનો 6 વિકેટથી પરાજય થયો હતો. ભારતની ક્રિકેટ ટીમના ચાહકોએ ભારતના ભવ્ય વિજયની આશાઓ રાખી અને વર્લ્ડ કપ ભારત જીતશે તેવી અપેક્ષા પર પાણી ફરી વળતા અહીંના ક્રિકેટ રશિયાઓમાં નિરાશાનું મોજું ફરી વળ્યું હતું. જો કે સમગ્ર વર્લ્ડ કપ દરમિયાન ભારતની ટીમના ખૂબ જ સુંદર દેખાવને લોકોએ બિરદાવીને ગઈકાલના પરાજયને ખેલદિલીપૂર્વક સ્વીકાર્યો હતો.