જામકંડોરણાથી રાજકોટ તરફ જતાં દંપતિની કાર કાલાવડ તાલુકાના નાનાવડાળાથી નિકાવા તરફથી ગોલાઇ પાસે પહોંચી ત્યારે કાર આડે ગાય આવતાં બચાવવા જતાં કાર રોડ પરથી ઉતરીને પલ્ટી ખાઇ જતાં વૃધ્ધાનું ગંભીર ઇજા પહોંચતાં મોત નિપજ્યું હતું. દેવભૂમિ દ્વારકામાં રહેતાં વૃધ્ધ તેના મિત્રને મળવા કાલાવડ ગયા હતાં તે દરમિયાન બકાલુ લેવા જતાં હતાં ત્યારે બેશુધ્ધ થઇ જતાં મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ રાજકોટ શહેરમાં હનુમાનમઢી ચોક પાસે આવેલા છોટુનગર શેરી નં. 3માં રહેતાં નયનકુમાર પંડયા નામના વૃધ્ધ અને તેના પત્નિ રીટાબેન રવિવારે બપોરના સમયે જામકંડોરણાથી રાજકોટ તરફ તેની જીજે-3 ડીએન-2545 નંબરની હોન્ડા સીટી કારમાં જતાં હતાં ત્યારે કાલાવડ તાલુકાના નાનાવડાળાથી નિકાવા ગામ જવાના માર્ગ પરથી ગોલાઇ પર પહોંચ્યા ત્યારે ગાય આડી ઉતરતાં ચાલકે ગાયને બચાવવા જતાં સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેવાથી કાર રસ્તા પરથી ઉતરીને પલ્ટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં રીટાબેન નયનકુમાર પંડયા (ઉ.વ.60) નામના વૃધ્ધાને શરીરે અને માથામાં તથા તેના પતિને ઇજા પહોંચી હતી. બાદમાં દંપતિને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં રીટાબેનનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે નિલેશભાઇ જોશી દ્વારા જાણ કરાતાં હેકો. આર.વી. ગોહિલ તથા સ્ટાફે મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ દેવભૂમિ દ્વારકામાં ટીવી સ્ટેશન પાસે રહેતા જયસુખભાઇ મોહનલાલ પરમાર (ઉ.વ.63) નામના વૃધ્ધ કાલાવડમાં રહેતા તેના મિત્ર મોહનભાઇને મળવા ગયા હતાં અને શનિવારે સાંજના સમયે જયસુખભાઇ તથા તેમના મિત્ર મોહનભાઇ મેઘજીભાઇ દેગડા બંને કાલાવડની મુખ્ય બજારમાં બકાલુ લેવા જતાં હતાં ત્યારે જયસુખભાઇ પરમાર નામના વૃધ્ધને એકા-એક ચક્કર આવતાં બેશુધ્ધ થઇ જતાં કાલાવડના સરકારી દવાખાને ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની જાણના આધારે હેકો જી.પી. ગોસાઇ તથા સ્ટાફે મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.