જામજોધપુરના મીની બસ સ્ટેન્ડ પાસે સાંજના સમયે વાહન ઓવરટેક કરવાના મામલે બબાલ થઈ હતી જેમાં એક-બીજાને માર માર્યાની સામસામી ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા બંને પક્ષે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત મુજબ જામજોધપુરમાં સ્વાિારાયણ મંદિરની બાજુમાં રહેતાં માણશીભાઈ રાયદેભાઇ સંધ્યા નામના પ્રૌઢે હમીર લખુ મુગાણીયા, નાગા લખુ મુગાણીયા, કિશોર લખુ મુગાણીયા, ધવલ નાગા મુગાણીયા નામના ચાર શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ગામના બસ સ્ટેન્ડ પાસે બે આરોપીઓએ ફરિયાદી માણશીભાઇને પગમાં ટોમી વડે માર મારીને ફેકચર સહિતની ઈજા પહોંચાડી હતી તથા ફરિયાદી અને અન્ય સાહેદને પણ લાકડીઓ વડે મુંઢ માર માર્યો હતો તેમજ રોપીઓ દ્વારા અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સામાપક્ષે જામજોધપુરના સ્વામિનારાયણ મંદિર પાછળ રહેતાં ડ્રાઈવિંગ કરતા કિશોરભાઈ લખુભાઈ મોવાણીયા નામના યુવાન દ્વારા રાજા માણશી સંધ્યા, વિશાલ હમીર સંધ્યા, કરશન માણશી સંધ્યા, માણશી રાયદે સંધ્યા નામના ચાર શખ્સો વિરૂધ્ધ અલગ અલગ કલમ મુજબ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ફરિયાદી કિશોરભાઈને હાથની આંગણીમાં પાઈપ મારીને ફેકચર સિતન ઈજાઓ તેમજ સાહેદને લાકડી વડે માર મારી માથાના અને કોણીના ભાગે ઈજા પહોંચાડી હતી. ફરિયાદી તથા સાહેદને ઢીકાપાટુનો માર મારી અપશબ્દો બોલી તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ દ્વારા બંને પક્ષની ફરિયાદ નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.