જામનગર શહેર નજીક ખીજડિયા બાયપાસ પાસે પોલીસ દ્વારા ખાનગી બસોનું ચેકિંગ હાથ ધરાતા એક ચાલક પીધેલ ઝડપાયો હતો. જ્યારે પોલીસે રૂા.31,500 ના દંડની વસૂલાત કરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ખીજડિયા બાયપાસ ચોકડીથી લાલપુર બાયપાસ ચોકડી તરફ જવાના માર્ગ પર પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી ડી પી વાઘેલાના માર્ગદર્શન હેઠળ પંચકોશી એ ડીવીઝનના પોલીસ સ્ટાફ દ્વારા ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન પોલીસે 35 થી વધુ ખાનગી લકઝરી બસોનું ચેકિંગ કર્યુ હતું. જેમાં એક ખાનગી બસનો ચાલક પીધેલ હાલતમાં ઝડપાયો હોવાથી તેની અટકાયત કરી બસ ડીટેઈન કરવામાં આવી હતી. ઉપરાંત અન્ય બસોના ચેકિંગ દરમિયાન નિયમોના ઉલ્લંઘન સંદર્ભે રૂા.31500 નો દંડ સ્થળ પર જ વસૂલ કરવામાં આવ્યો હતો.