જામનગરની જીલ્લા જેલમાં ગુજસીટોક, ખંડણી, વ્યાજખોરી, અને હત્યા જેવા ગંભીર ગુનાઓમાં જેલવાસમાં રહેલા કુખ્યાત આરોપીઓ સાથે થોડા દિવસ પહેલાં સૌરાષ્ટ્રની મોટું માથુ ગણાતી વ્યક્તિ કુખ્યાત કેદીઓને મળવા આવ્યાની બાતમીના આધારે પોલીસ અધિક્ષક સહિતના કાફલા દ્વારા જીલ્લા જેલમાં કડક અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

મળતી વિગત મુજબ જામનગરની જિલ્લા જેલ અવાર-નવાર કોઇપણ કારણોસર ચર્ચામાં રહે છે જેલમાં અગાઉ પણ પ્રતિબંધિત વસ્તુઓ મળી આવ્યાના અસંખ્ય ગુનાઓ પોલીસ દફતરે નોંધાયેલા છે. ત્યારે થોડા દિવસ અગાઉ જ કરોડોના છેતરપિંડીના કૌભાંડમાં જેલમાં રહેલા પોરબંદરના ગાંગાભાઇ ઠેબાભાઈ કોડિયાતર શખ્સને જેલમાં જ માર મારી ધમકી આપ્યાના રજાક ઉર્ફે સોપારી દાઉદ ચાવડા, ભીમશી નંદાણિયા અને રજાક સાયચા નામના ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો માર મારી સ્કોર્પિયો કાર ભુલી જવા બાબતે ધમકી આપ્યાના બનાવમાં સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી. દરમિયાન જામનગરની જીલ્લા જેલમાં રહેલા ગુજસીટોક, ખંડણી, વ્યાજખોરી, અને હત્યા જેવા ગંભીર ગુનાઓના આરોપીને પાંચ દિવસ પહેલાં સૌરાષ્ટ્રનું મોટું માથુ ગણાતી વ્યક્તિ આ કુખ્યાત કેદીઓને મળવા આવ્યા હોવાની ચોકકસ બાતમી મળી હતી.
જેના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના નેજા હેઠળ 50 થી વધુ પોલીસ અધિક્ષક અને સ્ટાફ દ્વારા જામનગરની જીલ્લા જેલમાં અચાનક જ ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી અંતર્ગત જામનગરની જીલ્લા જેલની તમામ બેરેકોનું જીણવટભર્યુ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત જેલમાં મુલાકાતે આવનાર વ્યક્તિઓના સીસીટીવી ફુટેજ પણ તપાસવામાં આવ્યાં હતાં અને જેલમાં રહેલા કુખ્યાત આરોપીઓને કોઇપણ પ્રકારની ગેરકાયદેસર સુવિધાઓ મળે છે કે કેમ ? અને જેલની સુરક્ષા વ્યવસ્થા અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે કે કેમ ? તે અંગેની તમામ વિગતો તપાસવામાં આવી હતી. જોકે, પોલીસ દ્વારા સમયાંતરે જેલમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવે છે પરંતુ તેમ છતાં જેલમાં પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવ્યાની ઘટનાઓ બની ગઇ છે. ઉલ્લેખનીય છે કે જામનગરની જીલ્લા જેલમાં છેલ્લાં ઘણાં સમયથી કોઇ પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવ્યાની ઘટના પોલીસ દફતરે નોંધાઈ નથી. પરંતુ હાલમાં જ જેલમાં માર મારી ધમકી આપ્યાની ઘટનાએ પોલીસ તંત્રને એલર્ટ કરી દીધું છે.