Monday, January 30, 2023
Homeરાષ્ટ્રીય1 એપ્રિલથી 15 વર્ષ જૂના સરકારી વાહનોની નોંધણી રદ

1 એપ્રિલથી 15 વર્ષ જૂના સરકારી વાહનોની નોંધણી રદ

નવી સ્ક્રેપ પોલિસી અંતર્ગત તમામ વાહનો જશે ભંગારમાં

- Advertisement -

પહેલી એપ્રિલથી કેન્દ્ર અને રાજ્ય સરકારના 15 વર્ષથી વધુ જૂના તમામ વાહનોની નોંધણી રદ કરી સ્ક્રેપ કરવામાં આવશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયના નોટિફિકેશન અનુસાર આવા વાહનોમાં ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન અને જાહેર ક્ષેત્રના એકમોની બસનો પણ સમાવેશ થાય છે. દેશના રક્ષણ તેમજ કાયદો-વ્યવસ્થા અને આંતરિક સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતા સ્પેશિયલ પરપઝ વ્હિકલને આ નિયમ લાગુ નહીં પડે. નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર પ્રારંભિક રજિસ્ટ્રેશનથી 15 વર્ષના ગાળા પછી આવા વાહનોનો નિકાલ મોટર વ્હિકલ્સ રુલ્સ, 2021 અનુસાર સ્થપાયેલી રજિસ્ટર્ડ વ્હિકલ સ્ક્રેપિંગ ફેસિલિટી દ્વારા કરવામાં આવશે. બજેટ 2021-22માં વ્યક્તિગત વાહનો માટે 20 વર્ષ પછી ફિટનેસ ટેસ્ટની જોગવાઈ કરવામાં આવી હતી. જ્યારે કોમર્શિયલ વાહનોને 15 વર્ષ પછી આ નિયમ લાગુ પડે છે. 1 એપ્રિલ, 2022થી લાગુ કરાયેલી નવી પોલિસી હેઠળ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જૂના વાહનો સ્ક્રેપ થયા પછી ખરીદાયેલા નવા વાહનોના રોડ ટેક્સ પર 25 ટકા ટેક્સ રિબેટ આપશે.

- Advertisement -

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગયા વર્ષે જણાવ્યું હતું કે, તેમનો હેતુ દરેક સિટી સેન્ટરથી 150 કિમી.ના અંતરે ઓછામાં ઓછી એક ઓટોમોબાઇલ સ્ક્રેપિંગ સુવિધા વિકસાવવાનો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત સમગ્ર દક્ષિણ એશિયાનું વ્હિકલ સ્ક્રેપિંગ હબ બનવાની સંભાવના ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2021માં ‘નેશનલ વ્હિકલ સ્ક્રેપેજ પોલિસી’ લોન્ચ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પોલિસી જૂના અને પ્રદૂષણ ફેલાવતા વાહનોના નિકાલમાં મદદ કરશે. તેને લીધે અર્થતંત્રને પણ વેગ મળશે. જૂના અને ખામીયુક્ત વાહનોની સંખ્યામાં ઘટાડો, વાયુ પ્રદૂષણ ઓછું કરવું, રોડ અને વાહન ચાલકોની સુરક્ષામાં વધારો કરવો એ સ્ક્રેપેજ પોલિસીનો મુખ્ય હેતુ છે. જૂના વાહનોએ ફરી રજિસ્ટ્રેશન કરાવતા પહેલાં ફિટનેસ ટેસ્ટ પસાર કરવી જરૂરી છે.

સરકારની પોલિસી અનુસાર જૂના વાહનોનું ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર પર ટેસ્ટિંગ કરાશે. જેમાં એમિશન ટેસ્ટ, બ્રેકિંગ સિસ્ટમ, સુરક્ષા કોમ્પોનન્ટ્સનો સમાવેશ થાય છે. વાહન ઉત્પાદકો સ્ક્રેપિંગ સર્ટિફિકેટ આપનાર વ્યક્તિને નવા વાહનની ખરીદીમાં 5 ટકા ડિસ્કાઉન્ટ પણ આપશે. ઉપરાંત, નવા વાહનની રજિસ્ટ્રેશન ફી પણ માફ કરવામાં આવશે.

- Advertisement -

ફિટનેસ ટેસ્ટની જરૂર વાહનની ગુણવત્તા ચકાસવા માટે પડે છે. બ્રેક ટેસ્ટ, એન્જિન પર્ફોર્મન્સ સહિતના પરીક્ષણ પછી વાહનને ફિટ કે અનફિટ જાહેર કરાશે. કોઈ વાહન ફિટનેસ ટેસ્ટ પાસ કરે તો તેણે પાંચ વર્ષ પછી ફિટનેસ ટેસ્ટ આપવાનો રહેશે. 15 વર્ષ પછી વાહનનું રજિસ્ટ્રેશન રિન્યૂ કરતી વખતે ફિટનેસ સર્ટિફિકેટની જરૂર પડશે. ખાનગી વાહનો માટે રિન્યૂ કરાયેલું સર્ટિફિકેટ દર પાંચ વર્ષે ઇશ્યૂ કરવામાં આવશે.

નવી પોલિસી હેઠળ અનફિટ વાહનોને વૈજ્ઞાનિક ઢબે સ્ક્રેપ કરવામાં આવશે. વિશ્વભરમાં આવા સ્ક્રેપેજ સેન્ટર્સ શરૂ કરવામાં આવી રહ્યા છે. તે ટેક્નોલોજી આધારિત અને પારદર્શક છે. ફિટનેસ ટેસ્ટ પસાર નહીં કરી શકનારા તેમજ આગ, કુદરતી આફતો, અકસ્માત કે અન્ય ઘટનામાં નુકસાન પામેલા વાહનો પણ ‘અનફિટ’ ગણાશે. ફિટનેસ ટેસ્ટ પાસ નહીં કરી શકનાર વાહન રોડ પર હંકારી શકાશે નહીં અને એટલે તેનું રજિસ્ટ્રેશન રિન્યૂ કરવામાં નહીં આવે. જોકે, સંબંધિત ઓથોરિટીના આદેશ મુજબ જરૂરી રિપેરિંગ, સુધારા અને પુન: ચકાસણી પછી એક વખત રિ-ટેસ્ટની મંજૂરી આપવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular