ખંભાળિયા નજીકના દાત્રાણા ગામે ગતસાંજે તળાવના પાણીમાં ડૂબી જતા પરપ્રાંતિય માસુમ બાળા તથા તેના નાનાભાઈનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેઓની પિતરાઈ બહેન એવી એક નાની બાળકીને ગંભીર હાલતમાં વધુ સારવારઅર્થે જામનગર ખસેડવામાં આવેલ છે.
આ કરુણ બનાવની વિગત એવી છે કે, મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના ખેડા ફલિયા ગામના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામે રહેતા દેવશીભાઈ ગોગનભાઈ ચાવડા નામના એક આસામીની વાડીમાં રહી અને મજૂરી કામ કરતા થાનસિંહ ચીતુભાઈ ભીંડે નામના 32 વર્ષના એક યુવાનની સાત વર્ષની પુત્રી વૈશાલી તથા તેણીનો ચાર વર્ષનો ભાઈ વિકેશ થાનસિંહ ભીંડે નામના બે ભાઈ બહેન તથા થાનસિંહ ભીંડેના સાળાની બે વર્ષની પુત્રી કવિતા સાથે ગઈકાલે મંગળવારે સાંજના સમયે આ જ ગામમાં આવેલા એક ખેતરની બાજુમાં રહેલા ખારીવાળા તળાવ નજીક રમતા રમતા અકસ્માતે પાણીમાં ખાબક્યા હતા. તળાવના પાણીમાં ગરક થવાને કારણે બન્ને ભાઇ-બેનના મોત નિપજયા હતા. જ્યારે મૃતક બન્ને બાળકોની સાથે રમતી તેની મામેરી બહેન એવી કવિતા પણ આ સાથે પાણીમાં ગરક થઇ ગઇ હતી. સદ્નસીબે તે બચી જતાં તેને સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ છે.
આ બનાવે અંગે મૃતક બાળકોના પિતા થાનસિંહ ચીતુભાઈ ભીંડેએ જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી. બે માસુમ બાળકોના અપમૃત્યુના બનાવે મૃતકના પરિવારજનોમાં ભારે આક્રંદ સાથે નાના એવા દાત્રાણા ગામમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.


