દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારે યોજાઈ ગયેલી ત્રણ નગરપાલિકા તેમજ બે તાલુકા પંચાયતની બેઠકની પેટા ચૂંટણી સહિત પાંચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો માટે આજે સવારથી મતગણતરીનો પ્રારંભ થયો છે. સ્થાનિક કક્ષાએ સવારથી શરૂ કરવામાં આવેલી મત ગણતરીમાં ભારે ઉત્તેજનાસભર માહોલ સર્જી દીધો છે. ત્યારે સલાયા નગરપાલિકામાં મત ગણતરીના પ્રારંભે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ જોવા મળી રહ્યું હતું. જ્યારે દ્વારકામાં ભાજપનો હાથ ઉપર જોવા મળ્યો હતો. અને તમામ બેઠકો ભાજપને ફાળે ગઈ છે. ખંભાળિયા તાલુકાની ભરાણા તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસનો અને કલ્યાણપુર તાલુકાની જુવાનપુર પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય જાહેર થયો છે. ભાણવડ નગરપાલિકામાં પણ ભાજપનો દબદબો રહ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા તાલુકાની સલાયા તેમજ ભાણવડ અને દ્વારકા નગરપાલિકાની યોજાઈ ગયેલી ચૂંટણીમાં આજે સવારથી મતગણતરીની કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે શરૂ થઈ હતી. સલાયા નગરપાલિકાની ચૂંટણીની મત ગણતરી ખંભાળિયાની પ્રાંત કચેરી ખાતે શરૂ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ ચરણમાં પહેલા વોર્ડની તમામ ચાર બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા જાહેર થતાં ભાજપ માટે એકમાત્ર આશાના કિરણ સમાન વોર્ડ નંબર 1 માં ભાજપનો ધબડકો જોવા મળ્યો હતો. આ જ પરિસ્થિતિ વોર્ડ નંબર 2 માં જારી રહી હતી અને તમામ ચાર બેઠકો પર “આપ”નો સકંજો રહ્યો હતો. જ્યારે વોર્ડ નંબર 3 માં પણ આપની આખી પેનલ વિજેતા થયા બાદ વોર્ડ નંબર 4 માં કોંગ્રેસનું ખાતું ખૂલ્યું હતું અને એક બેઠક આમ આદમી પાર્ટીને અને ત્રણ બેઠક કોંગ્રેસને મળી છે. વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 6 માં પણ માં પણ કોંગ્રેસના તમામ ચાર ઉમેદવારો વિજેતા થયા છે.
આ વચ્ચે ઉલ્લેખનિય છે કે સલાયા નગરપાલિકામાં ભાજપ માટે પ્રારંભથી જ આ ચૂંટણી કપરા ચઢાણ રૂપ સાબિત થઈ હતી. જ્યારે અહીંના ચોપાંખિયા જંગમાં ભાજપ જાણે હરીફાઈમાં જ ન હોય તેવું ચિત્ર જોવા મળતું હતું. જ્યારે કોંગ્રેસના પ્રભુત્વ વાળી સલાયા નગરપાલિકામાં કોંગ્રેસના દેખાવ પણ પ્રારંભે નબળો જોવા મળ્યો હતો. જેણે બાદમાં સ્પીડ પકડી હતી. સલાયામાં વોર્ડ નં. 7માં કોંગ્રેસની પેનલનો વિજય થયો હતો. આમ સલાયાની કુલ 28 બેઠકો પૈકી 13 બેઠકો પર આમઆદમી પાર્ટી તથા 15 બેઠકો પર કોંગ્રેસે વિજય મેળવ્યો હતો.
ખંભાળિયા તાલુકા પંચાયતની ભરાણા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઈસ્માઈલ હાજી ચમડિયા એ 1561 મત મેળવતા તેમને 610 માટે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે કલ્યાણપુર તાલુકાના જુવાનપર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર 210 મતથી વિજેતા થયા હોવાનું પણ જાણવા મળ્યું છે.
છેલ્લા આશરે અઢી દાયકાથી ભાજપનું શાસન ધરાવતી દ્વારકા નગરપાલિકામાં આ વખતે ચૂંટણી પૂર્વે 28 પૈકી 9 બેઠક બિનહરીફ થઈ ચૂકી છે. ત્યારે આજરોજ હાથ ધરવામાં આવેલી મત ગણતરીના પ્રારંભથી જ ભાજપના તમામ ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા.
આમ, દ્વારકા જિલ્લાની દ્વારકા નગરપાલિકા પર વધુ એક વખત ભગવો લહેરાયો છે અને 28 બેઠકોમાંથી અગાઉ નવ બેઠકો ભાજપે બિનહરીફ કબજે કરી હતી. તે પછી બાકીની 19 બેઠકો માટેની ચૂંટણી થતા વોર્ડ નંબર 1 થી 7 સુધીની તમામ 19 બેઠકો ભાજપે જીતી અને 28 માંથી 28 બેઠકો જીતવાનો રેકોર્ડ સર્જ્યો છે.
અહીં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ કે અપક્ષનું ક્યાંય પણ ખાતું ખુલ્યું નથી. અગાઉની પાંચ વર્ષ પહેલાની ચૂંટણીમાં 2019 માં ભાજપ દ્વારા 28 માંથી 25 બેઠકો જીતવામાં આવી હતી. અને ત્રણ બેઠકો અપક્ષને ફાળે ગઈ હતી. ત્યારે આ વખતે 28 માંથી 28 બેઠકો જીતી અને ભાજપના દ્વારકાના ધારાસભ્ય માણેક તથા રાજ્યમંત્રી મુળુભાઈ બેરા તથા સાંસદ પૂનમબેન માડમના પ્રયત્નો સફળ થયા છે. દ્વારકા નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા એન.ડી.એચ. હાઇસ્કુલ ખાતે હાથ ધરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર અને મુખ્ય ચૂંટણી અધિકારી આર.એમ. તન્ના તેમજ જિલ્લા એસપી નિતેશ પાંડેયના વડપણ હેઠળ સમગ્ર મતગણતરી પ્રક્રિયા એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે.