જામનગર શહેરમાં ભીમવાસ વિસ્તારમાં દોઢ વર્ષ અગાઉની માથાકુટનો ખાર રાખી યુવાન ઉપર મહિલા સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી છરી અને પાઈપ વડે આડેધડ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

હુમલાના બનાવની વિગત મુજબ, જમાનગર શહેરના જૂના રેલવે સ્ટેશન પાસે આવેલા ભીમવાસ શેરી નંબર-1 / એ માં રહેતા મહાનામ ઉર્ફે માનવ ઉગાભાઈ વઘેરા (ઉ.વ.32) નામના નોકરી કરતા યુવાનને દોઢ વર્ષ અગાઉ સુનિલ ઉર્ફે ધમો નામના શખ્સ સાથે માથાકૂટ થઈ હતી તે બાબતનો ખાર રાખી ગત તા.15 ના શનિવારે રાત્રિના સમયે ભીમવાસ વિસ્તારમાં સુનિલ ઉર્ફે ધમો વિપુલ, આકાશ વિપુલ, મુકેશ ઉર્ફે ચીનો વિપુલ તથા સુનિલ ઉર્ફે ધમાની પત્ની સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી યુવાનને આંતરીને ‘તને આ રસ્તા ઉપરથી નિકળવાની ના પડી હતી તો પણ તું કેમ અહીંથી નિકળશ’ તેમ કહી બોલાચલી કરી જેમ ફાવે તેમ ગાળો કાઢી છરી વડે છાતીના ભાગે તથા હાથ-પગમાં હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી તેમજ પાઈપ વડે માથામાં તથા કપાળમાં આડેધડ માર મારી ઈજા પહોંચાડી હતી ઉપરાંત પથર વડે પણ પગમાં માર મારી ઈજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી.
હુમલાના બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીએસઅઇ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે મહાનામના નિવેદનના આધારે મહિલા સહિત ચાર શખ્સો વિરૂધ્ધ હુમલો કરી ધમકી આપ્યાના બનાવમાં ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.