જામજોધપુર તાલુકાના જૂની આંબરડી ગામમાં ખરાબામાં બાંધેલા ઢોર છોડાવી લેવાની ના પાડતા પ્રૌઢ ઉપર માતા અને પુત્રો સહિત ત્રણ શખ્સોએ ધોકા વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના જૂની આંબરડી ગામની સીમ વિસ્તારમાં રહેતા આંબાભાઈ સવજીભાઈ ભંભાણા (ઉ.વ.55) નામના પ્રૌઢે ખરાબામાં તેના પશુઓને બાંધ્યા હતાં. આ પશુઓને ખરાબામાંથી પશુઓને છોડાવી લેવા માટે મયુર ભંભાણા એ કહેતા પ્રૌઢે ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલા મયુર દુદા ભંભાણા, દિપક દુદા ભંભાણા, મંજુબેન દુદા ભંભાણા સહિતના ત્રણ શખ્સોએ એકસંપ કરી બુધવારે સાંજના સમયે લાકડાના ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી હતી. હુમલામાં ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની જાણ થતા હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે હુમલામાં ઘવાયેલા પ્રૌઢ આંબાભાઈના નિવેદનના આધારે માતા અને બે પુત્રો સહિત ત્રણ શખ્સો વિરુધ્ધ હુમલાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.