ખંભાળિયા પંથકમાં ગઈકાલે વરસી ગયેલા ઝાપટા બાદ આજે સવારથી વરસાદી વાતાવરણ સર્જાયું હતું અને આશરે નવેક વાગ્યે ધીમી ધારે શરૂ થયેલા વરસાદમાં અડધો કલાકમાં 19 મી.મી. સહિત આજે સવારે એક ઈંચ જેટલું પાણી વરસી ગયું હતું. ભારે ઝાપટાના કારણે શહેરના માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હાલની પરિસ્થિતિમાં આ લખાય છે ત્યારે હજુ વધુ વરસાદ વરસે તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે.
છેલ્લા કેટલાક દિવસોથી વધી ગયેલા બફારા અને ઉકળાટ બાદ ગઈકાલે ખંભાળિયા શહેરમાં વરસાદી માહોલ રહ્યો હતો અને દિવસ દરમિયાન હળવા છાંટા બાદ રાત્રીના આશરે સાડા 10 વાગ્યે વીજળીને ચમકારા વચ્ચે વરસાદનું એક જોરદાર ઝાપટું વરસી જતા શહેરના માર્ગો પાણીથી તરબતર બન્યા હતા. આજે સવારે પણ આ લખાય છે ત્યારે ઉકળાટ વચ્ચે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
ગઈકાલે સોમવારે સાંજે કલ્યાણપુર અને ભાણવડ તાલુકાના 20-20 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે દ્વારકામાં મોડી રાત્રે બે મિલીમીટર પાણી પડી ગયું હતું. આ વરસાદ ખેતરોમાં પાક માટે ફાયદા રૂપ ગણાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સિઝનમાં હાલ ખંભાળિયામાં સૌથી વધુ સવા 28 ઈંચ (708 મી.મી.) વરસાદ વરસી ચૂક્યો છે.
છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટાવડાળા ગામમાં ધીમી ધારે પોણો ઈંચ અને નિકાવા, ખરેડી, નવાગામ તથા મોટા પાંચદેવડામાં અડધો-અડધો ઈંચ ઝાપટું વરસ્યું હતું. ત્યારે જામનગર તાલુકાના મોટી બાણુગારમાં જોરદાર ઝાપટું પડયું હતું. તેમજ જામજોધપુર તાલુકાના સમાણા, શેઠવડાળા, જામવાડી, વાંસજાળિયા, ધુનડા અને લાલપુરના ભણગોરમાં સામાન્ય ઝાપટા વરસ્યાનો અહેવાલ છે. જ્યારે તાલુકાના મુખ્ય મથકો પૈકીના જામનગર, કાલાવડ અને જોડિયામાં છૂટાછવાયા ઝાપટા પડયા હતાં.