જામનગર શહેરમાં ગત રવિવારે મહાપ્રભુજી બેઠક પુલ ઉપરતા રોડ પરથી પસાર દંપતિ અને તેની પુત્રી બાઈક પર જતા હતાં ત્યારે બેફીકરાઈથી પુરપાટ આવી રહેલી સ્કવોડા કારે બાઈકને ઠોકરે ચડાવતા માસુમ બાળકીનું મોત નિપજ્યું હતું અને તેણીના માતા-પિતાને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યાં સારવાર દરમિયાન મૃતક બાળકીના પિતાનું પણ મોત નિપજતા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

આ હિટ એન્ડ રનના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં રહેતાં ઇઝરાયેલ અને તેની પત્ની રૂકસારબેન અને તેની પુત્રી અબીરા નામના ત્રણેય વ્યક્તિઓ ગત તા.26ના રવિવારે રાત્રિના સવા નવા વાગ્યાના અરસામાં તેના જીજે10 ડીકે 0327 નંબરના એફઝેડ બાઇક પર મહાપ્રભુજી બેઠક પુલ ઉતરના નયારા પેટ્રોલ પંપના સામેના રોડ પરથી પસાર થતા હતા ત્યારે સામેથી પુરપાટ અને બેફિકરાઇથી આવી રહેલી જીજે10 ડીએન 0012 નંબરની લાલ કલરની સ્કોડા કારના ચાલકે બાઇકને હડફેટ લેતાં બાઇકસવાર દંપતિ અને બાળકી ત્રણેય રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં ઇઝરાયેલભાઇને બન્ને પગ અને પાંસડી તથા બરોડમાં ઇજા પહોંચી હતી. જ્યારે તેની પત્ની રૂખસારબેનને પગમાં તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમજ બાળકી અબીરા ઇઝરાયેલ સમા (ઉ.વ.5) નામની માસુમ બાળકીને માથામાં અને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ હિટ એન્ડ રનના અકસ્માતના બનાવમાં ઘવાયેલા દંપતિ અને બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બાળકીનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. અકસ્માતના બનાવ અંગે ઘવાયેલા ઈઝરાયેલના પિતરાઇ સાજિદભાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઇ એમ. એન. રાઠોડ તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ બાળકીના મૃતદેહનો કબ્જો સંભાળી કારચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરમ્યાન મૃતકના પરિવારજનો દ્વારા બાળકીના મૃતદેહ સંભાળવાની ના પાડતા પોલીસ દ્વારા દરમ્યાનગીરી કરાતા આખરે પરિવારે મૃતદેહ સ્વિકાર્યો હતો. પરંતુ પરિવારજનો દ્વારા અકસ્માત નિપજાવનાર કારચાલક સામે હિટ એન્ડ રનનો ગુનો નોંધી કડકમાં કડક અને ઝડપી સજા મળે તેવી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
દરમિયાન હિટ એન્ડ રનના બનાવમાં ઘવાયેલા ઈઝરાયલભાઈ સમા નામના યુવાન અને તેની પત્ની રૂખસારને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ગુરૂવારે સારવાર લઇ રહેલા ઈઝરાયલભાઈ સમા નામના યુવાનનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ હિટ એન્ડ રનના બનાવમાં બાળકીના મોત બાદ તેણીના પિતાનું સારવાર દરમિયાન મોત નિપજતા સમા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.


