જામનગરના બ્રાસપાર્ટના ઉદ્યોગપતિના સગીર પુત્રના અપહરણ, ખંડણી અને હત્યાના કેસમાં અદાલત દ્વારા આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કારાવાસ તથા રૂા. 1,10,000ના દંડનો હુકમ કર્યો હતો.

આ બનાવની વિગત મુજબ જામનગરમાં ગત્ તા. 31-08-2016ના સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં બ્રાસપાર્ટનો ધંધો કરતા ઉદ્યોગપતિ સોની કિશોરભાઇ વિઠ્ઠલભાઇ થડેશ્વરના સગીર પુત્ર જે તે સમયે સત્યસાઇ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. જેનું અપહરણ કરી રૂા. બે કરોડની ખંડણી માંગી હત્યા નિપજાવી સગીરનો મોબાઇલ તથા સોનાનો ચેઇન ઓળવી જવા અંગે મયંક મનસુખભાઇ સંઘાણી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
આ કેસ બીજા એડી. સેશન્સ જજ વી. પી. અગ્રવાલની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદ પક્ષે કુલ 30 સાહેદો તપાસી 84 દસ્તાવેજો રજુ કરવામાં આવ્યા હતા. સરકારપક્ષે ખાસ નિયત સ્પે. પબ્લીક પ્રોસિક્યુટર તરીકે સિનિયર એડવોકેટ અનિલભાઇ દેસાઇ ફરિયાદ પક્ષના કેસના સમર્થનમાં સુપ્રીમ કોર્ટ તથા વિવિધ હાઇકોર્ટના ચુકાદાઓ રજુ કર્યા હતાં. તેમાં કોર્ટએ દલીલો ઘ્યાન લઇ આરોપી મયંક સંઘાણીને તકસીરવાન ઠેરવી ખુન, ખંડણી અને આઇપીસી કલમ 302, 306(ક)ના કેસમાં આજીવન કારાવાસની સખત કેદની સજા તથા કલમ 404માં બે વર્ષની સખત કેદની સજાનો હુકમ ફરમાવ્યો હતો. આ ઉપરાંત આરોપીને રૂા. એક લાખ દસ હજારનો દંડ ફટકાર્યો છે. આરોપી દંડ ભર્યેથી તેમાંથી રૂપિયા એક લાખ ફરિયાદીને ચૂકવવા અને દંડ ન ભરે તો વધુ કેદની સજા ફટકારી છે.
આ કેસમાં સ્પે. પી.પી. તરીકે અનિલભાઇ આર. દેસાઇ તથા મૂળ ફરિયાદી વત્તી જામનગરના વકીલ અશોક એચ. જોષી તથા એડવોકેટ કે. એચ. ભટ્ટ રોકાયા હતા.


