જામનગરમાં મોડી સાંજે ગ્રામ્ય વિસ્તારના આઈએએસ પ્રાંત અધિકારીને ટુ વ્હીલર અકસ્માતમાં ઇજા થતા જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા.ઘટનાની જાણ થતા જિલ્લા કલેકટર અને મેડિકલ કોલેજના ડીન પણ હોસ્પિટલે પહોંચી ગયા હતા.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર ગ્રામ્યના પ્રાન્ત અધિકારી અક્ષય બુડાણીયા શુક્રવારે રાત્રે ઓફિસેથી છૂટીને ઘરે પહોંચ્યા બાદ કોઈ કામસર ટુ-વ્હીલર લઈને ગવર્મેન્ટ કોલોનીની બહાર નીકળ્યા હતા ત્યારે ક્રિકેટ બંગલા નજીક તેઓને અન્ય વાહન ચાલકે હડફ્ટે લેતા તેમને શરીરે તેમજ માથામાં ઈજા થતાં તાત્કાલિક જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની જાણ થતા જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી તેમજ વહીવટી કચેરીના અન્ય અધિકારીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. ડીન ડો. નંદીનીબેન દેસાઈ સહિતના ડોકટરોએ તેમની હાથની સારવાર કરી હતી અને માથામાં પછડાટને કારણે થયેલી ઇજાને કારણે આગળની તપાસ હાથ ધરી હતી. તબીબોએ પ્રાંત અધિકારીની તબિયત સારી હોવાનું જણાવ્યું હતું. પોલીસે બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.