જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર ગોરધનપર ગામના પાટીયા પાસે રસ્તો ક્રોસ કરતાં વૃધ્ધાને પુરઝડપે આવતા એકટિવા ચાલકે ઠોકર મારી અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચવાથી મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના ગોરધનપર ગામમાં રહેતા સમજુબેન બદાભાઇ પરમાર નામના વૃધ્ધા સોમવારે સાંજના સમયે જામનગરમાં લસણનું વેચાણ કરી ઘરે પરત ફરતા હતા ત્યારે લહેર તળાવ નજીક વાહનમાંથી ઉતરીને રસ્તો ક્રોસ કરતા હતા ત્યારે પુરઝડપે બેફિકરાઇથી આવતા અજાણ્યા એકટિવા ચાલકે વૃધ્ધાને ઠોકર મારી અડફેટે લેતા શરીરે અને માથામા ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ થતાં પીએસઆઇ જે.ડી.પરમાર તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પુત્રવધુ ગીતાબેનના નિવેદનના આધારે અકસ્માત બાદ નાસી ગયેલા અજાણ્યા એકટિવા ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.