ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની વિકટ સમસ્યા પ્રવર્તી રહી છે. ત્યારે આ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા ઘણા સમયથી તંત્રને વારંવાર રજૂ કરવામાં આવી છે અને શક્ય હોય તે જરૂરી પગલાં લેવા માટે નગરપાલિકાને અનુરોધ કરવામાં આવ્યો હતો. તેમ છતાં પણ આ અંગેના કોઈ નક્કર પગલાં લેવામાં ન આવ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.
સલાયામાં હાલ સતત 10-15 દિવસ સુધી પાણી વિતરણ કરવામાં આવતું નથી. જેથી સામાન્ય પરિવારના ગરીબ લોકો પાસે 20 દિવસ ચાલે તેટલું પાણીનો સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા ના હોય, ફરજિયાત પણે લોકોને વેચાતું પાણી લેવા મજબૂર થવું પડે છે.
આ વર્ષે ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લામાં વ્યાપક મેઘ મહેર વરસી છે. અને તમામ નાના-મોટા જળ સ્ત્રોતો હજુ પણ ઓવરફ્લો જઈ રહ્યા છે. છતાં પણ સલાયાને તરસ્યું રહેવું પડે તે બાબતને દુ:ખદ ગણાવી, સોમવારે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો-કાર્યકરો દ્વારા નગરપાલિકાને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ પ્રકારે વારંવાર રજૂઆત કરવા છતાં પણ પરિસ્થિતિ જૈસે થે તેવી બની રહેતી હોવાથી જો પંદર દિવસમાં આ પ્રશ્નનો જો યોગ્ય નિરાકરણ કરવામાં નહિ આવે તો આત્મ વિલોપન કરવામાં આવશે તેવી ચીમકી પણ આ પત્રમાં ઉચ્ચારવામાં આવી છે.