જામનગરના વિભાપર ગામમાં રહેતાં યુવાને પત્નીને કોરોના થતા વ્યાજખોર પાસેથી 10% વ્યાજે લીધેલી રકમ પેટે વધુ વ્યાજની માંગણી કરી જેમ ફાવે તેમ ગાળો કાઢી પઠાણી ઉઘરાણી કર્યાના બનાવમાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગરના વિભાપર ગામમાં આરોગ્ય કેન્દ્ર પાસે રહેતાં અને નોકરી કરતા વિપુલભાઈ જયેન્દ્રભાઈ અગ્રાવત નામના યુવાનની પત્નીને વર્ષ 2021 માં કોરોના થયો હતો જેથી યુવાને યોગીભાઈ જાડેજા પાસેથી રૂા.1,75,000 ની રકમ 10%ના વ્યાજે લીધા હતાં અને આ રકમ પેટે યુવાને રૂા.3,50,000 ચૂકવી દીધા હોવા છતાં ધ્રુવસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સે ફોન કરી કુલ રૂા. 3,75,000 અને વ્યાજ સહિતની રકમની માંગણી કરી જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી અને વ્યાજ નહીં આપ તો મારી નાખવાની ધમકી આપી પઠાણી ઉઘરાણી કરતાં બે વ્યાજખોરોથી ત્રાસી ગયેલા વિપુલભાઈએ બનાવ અંગે સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ જે.પી. સોઢા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.