Thursday, April 30, 2026
Homeરાજ્યજામનગરજામનગરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 249 ઉમેદવારોએ ડિપોઝિટ ગૂમાવી

જામનગરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 249 ઉમેદવારોએ ડિપોઝિટ ગૂમાવી

જામનગર મહાનગરપાલિકામાં 105, જિલ્લા પંચાયતમાં 25, તાલુકા પંચાયતમાં 109 અને સિક્કા નગરપાલિકામાં 10 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત : સૌથી વધુ કોંગ્રેસના 103 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત

જામનગરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મંગળવારે મતગણતરી પૂર્ણ થઇ હતી. આ ચૂંટણીમાં કુલ 249 ઉમેદવારોએ ડિપોઝિટ ગૂમાવી છે. જામનગર મહાનગરપાલિકામાં 206 ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું. જેમાંથી 105 ઉમેદવારો પોતાની ડિપોઝિટ બચાવી શકે તેટલા મતો પણ મેળવી શકયા ન હતાં અને ડિપોઝિટ ગૂમાવવાનો વારો આવ્યો હતો.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા, જામનગર જિલ્લા પંચાયત, જામનગર તાલુકા પંચાયત, સિકકા નગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઇ હતી. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતાપાર્ટીને પ્રચંડ જનાદેશ મળ્યો છે. શહેરના 16 વોર્ડની 64 બેઠકો પૈકી એક બેઠક બિનહરિફ જાહેર થયા બાદ 63 બેઠકોની ચૂંટણી યોજાઇ હતી. જેમાં 59 બેઠકો કબ્જે કરી હતી. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માત્ર બે-બે સીટો જીતી શકી હતી. જામનગર મહાનગરપાલિકામાં કુલ 206 ઉમેદવારો મેદાને હતાં. જેમાં ભાજપાના 63 ઉમેદવારો ચૂંટણી લડયા હતાં. તે પૈકી ચાર ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ ગૂમાવી હતી. કોંગ્રેસના 62 ઉમેદવારો ચૂંટણી લડયા હતાં. જેમાંથી 27 ઉમેદવારોને ડિપોઝિટ ગૂમાવવાનો વારો આવ્યો હતો. આમ આદમી પાર્ટીના 49 ઉમેદવારો ચૂંટણી જંગમાં હતાં. જેમાંથી માત્ર પાંચ ઉમેદવારો ડિપોઝિટ બચાવી શકયા છે. જ્યારે 44 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઇ છે. જ્યારે અપક્ષના 10 તથા અન્ય 20 ઉમેદવારોની ડિપોઝિટ પણ ડૂલ થવા પામી હતી. આમ, જામનગર મહાનગરપાલિકામાં કુલ 105 ઉમેદવારોએ ડિપોઝિટ ગૂમાવી છે.

સિક્કા નગરપાલિકામાં કુલ 80 ઉમેદવારો ચૂંટણી જંગમાં મેદાને હતાં. જેમાંથી ભાજપના એક, આમ આદમી પાર્ટીના આઠ તથા અન્યના એક સહિત કુલ 10 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઇ છે. જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે 72 ઉમેદવારો મેદાને હતા. જેમાંથી કોંગ્રેસના 15, આમ આદમી પાર્ટીના 6, અન્યના ચાર સહિત કુલ 25 ઉમેદવારોને ડિપોઝિટ ગૂમાવવાનો વારો આવ્યો છે.

- Advertisement -

તાલુકા પંચાયતોની વાત કરીએ તો, ધ્રોલ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ અને ‘આપ’ના સાત-સાત અને એક અપક્ષ સહિત 15 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઇ છે. જામજોધપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 13, અપક્ષના એક, અન્યના બે સહિત કુલ 16 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ છે. જામનગર તાલુકા પંચાયતમાં ભાજપના એક, કોંગ્રેસના 15, ‘આપ’ના સાત, અપક્ષના ત્રણ, અન્યના એક સહિત 27, જોડિયા તાલુકા પંચાયતના ભાજપના બે, કોંગ્રેસના ચાર, ‘આપ’ના પાંચ સહિત કુલ 11, કાલાવડ તાલુકા પંચાયતના કોંગ્રેસના સાત, ‘આપ’ના આઠ, અપક્ષના બે સહિત કુલ 17, લાલપુર તાલુકા પંચાયતમાં ભાજપના એક, કોંગ્રેસના 15, ‘આપ’ના બે, અપક્ષના પાંચ સહિત કુલ 23 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થવા પામી છે.

આમ, જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, જામનગર જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતોમાં કુલ મળીને ભાજપના 09, કોંગ્રેસના 103, ‘આપ’ના 87, અપક્ષના 22 તથા અન્યના 28 સહિત કુલ 249 ઉમેદવારો પોતાની ડિપોઝિટ બચાવી શકે તેટલા મતો પણ પ્રાપ્ત કરી શકયા ન હતા. તેમણે ડિપોઝિટ ગૂમાવવાનો વારો આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular