કાલાવડ ગામ નજીક રાજકોટ રોડ પરથી સ્થાનિક પોલીસે જુદા જુદા બે દરોડામાં દેશી દારૂ બનાવવાના અખાદ્ય ગોળની રસીના 230 ડબ્બા અને બે વાહન સાથે બે શખ્સોને દબોચી લઇ 9.76 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
દરોડાની વિગત મુજબ, કાલાવડ ગામમાં રાજકોટ રોડ પર કૈલાશનગર નજીક બાતમીના આધારે કાલાવડ સ્થાનિક પોલીસે પસાર થતા જીજે-37-ટી-7738 નંબરના અશોક લેલેન્ડ બડાદોસ્ત વાહનને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.71,500 ની કિંમતના 2860 કિલોના 130 ડબ્બા દેશી દારૂ બનાવવાનો અખાદ્ય ગોળની રસી મળી આવતા પોલીસે દિવ્યેશ ઉર્ફે રાકેશ ગોબર બારીયા નામના શખ્સની ધરપકડ કરી ગોળની રસી તથા 5 લાખની કિંમતનું વાહન મળી કુલ રૂા.5,71,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
તેમજ બીજો દરોડો, મધુરમ હોસ્પિટલ રોડ પરથી પસાર થતા જીજે-10-ટીવી-7051 નંબરના અશોક લેલેન્ડ દોસ્ત વાહનને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.55,000 ની કિંમતના 2200 કિલોના 100 નંગ ડબ્બા દેશી દારૂ બનાવવાના અખાદ્ય ગોળની રસીના મળી આવતા પોલીસે કરશન મંગા વરૂ (હાપા) નામના શખ્સની ધરપકડ કરી ગોળની રસી તથા સાડા ત્રણ લાખની કિંમતનું વાહન મળી કુલ રૂા.4,05,000 ના મુદ્દામાલ કબ્જે કરી બંને શખસો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હેકો જે એચ પાગડાર ચલાવી રહ્યા છે.