ભાણવડથી આશરે 20 કિલોમીટર દૂર રાણપર ગામે રહેતા અને દૂધની ડેરી ચલાવતા રામભાઈ કેશુભાઈ ઓડેદરા નામના 32 વર્ષના મેર યુવાન તેમજ આરોપી શકદાર ઈસમ એવા રાણપર ગામના સામત ભુરાભાઈ રાણાવાયાના પરિવાર વચ્ચે જમીનના રસ્તા બાબતે ઘણા સમયથી મન દુ:ખ ચાલતું આવતું હતું. જેથી આશરે બે મહિના પહેલા આરોપી શકદાર શખ્સ દ્વારા ફરિયાદી રામાભાઈ ઓડેદરાની ડેરીમાં ચોરી કરવામાં આવી હોવા અંગેની ફરિયાદ કરવામાં આવી હતી.
આ પછી પોતાના વિરુધ્ધ કરવામાં આવેલી ચોરીની ફરિયાદ પરત ખેંચી લેવા તેમજ ડેરી બંધ કરી દેવાનું કહી, રામભાઈ મેરને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તેમજ તેમની ડેરીમાં અપપ્રવેશ કરીને ડેરીમાં રાખવામાં આવેલું રૂપિયા 15,000 ની કિંમતનું કોમ્પ્યુટર, રૂા. 5,000 ની કિંમતનું પ્રિન્ટર, રૂ. 42,000 ની કિંમતનું ફેટ મશીન, રૂ. 6,000 ની કિંમતનું સ્ટ્રીરર, રૂપિયા 5500 ની કિંમતનો વજન કાંટો, કપાસિયાની ગુણી વિગેરે કોઈ જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગાવી નાખતા આ ડેરીમાં કુલ રૂપિયા 74,100 નું નુકસાન થયાનું જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે સામત ભુરાભાઈ રાણાવાયા સામે આઈપીસી કલમ 427, 436, 454, 457, 504 506 (2) તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કારાવદરા દ્વારા હાથ ધરવામાં આવી છે.