જામનગર જિલ્લામાં શેરબજારમાં રોકાણ કરવાના બહાને બનાવટી એપ્લીકેશન મારફતે રોકાણકારનો વિશ્વાસ કેળવી છેતરપિંડી આચરનાર ગેંગના સાગરિતને સાયબર ક્રાઈમ પોલીસે દબોચી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લામાં ખાનગી નોકરી કરતા રોકાણકારને વોટસએપ આઈડી પર મેસેજ કરી શેરખાન મેકસ ટ્રેડીંગ કંપનીના શેરમાર્કેટમાં રોકાણ કરવા અને માર્કેટ ભાવ કરતાં ઓછાભાવે શેર અપાવવા તથા આઈપીઓ પણ માર્કેટ કરતા ઓછા ભાવે પ્રોવાઈડ કરવાની લાલચ આપી મેકસ ટ્રેડીંગ કંપનીની બનાવટી એપ મોબાઇલમાં ઈન્સ્ટોલ કરાવડાવી રોકાણકારનો વિશ્વાસ કેળવી જુદા જુદા બેંક એકાઉન્ટમાંથી 60 લાખ 36 હજાર જેટલી માતબર રકમ ટ્રાન્સફર કરાવી બનાવટી એપમાં ખોટો પ્રોફીટ બતાવ્યો હતો અને આ રકમ રોકાણકારને પરત ન આપતાં કંટાળેલા રોકાણકારે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી જેના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી શહેર ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પીઆઈ આઈ.એ. ધાસુરા તથા હેકો પ્રવણભાઈ વસરા, પો.કો. દર્શિતભાઈ સીસોદીયા, પો.કો. કારુભાઈ વસરા અને વીકીભાઈ ઝાલા સહિતના સ્ટાફ દ્વારા રાજકોટના સાધુવાસવાણી રોડ પર રહેતાં જયંતીલાલ ચુનીલાલ રવૈયા ઉર્ફે જયંત જોશી નામના શખ્સની ધરપકડ કરી વધુ તપાસ અને પૂછપરછ આરંભી હતી.