જામનગર તાલુકાના નાઘેડી ગામના પાટીયા પાસે ગ્રીનવીલામાં રહેતા ખેડૂતને કાલાવડ તાલુકાના મોટી વાવડી ગામની 21 વીઘા ખેતીની જમીન વેંચાતી લેવી હોય. જેથી ત્રણ શખસોએ પૂર્વ આયોજીત કાવતરુ રચી બોગસ ખેડૂત અને ખોટા દસ્તાવેજો બનાવી 17 લાખની છેતરપિંડી આચરી હતી.
છેતરપિંડીના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામના વતની અને હાલ જામજોધપુર તાલુકાના નાઘેડી ગામના પાટીયા પાસે ગ્રીનવીલા-3 માં રહેતાં રાજાભાઈ દેવાભાઈ નંદાણિયા નામના ખેડૂતને કાલાવડ તાલુકાના મોટી વાવડી ગામના રેવન્યુ સર્વે નંબર 68 વાળી 21 વીઘા ખેતીની જમીન વેંચાતી લેવાની હોય જેથી જમીન દલાલ રમેશ ચના કરમુર, ઘનશ્યામસિંહ સોઢા અને મનસુખ ભીખા ભરવાડ નામના ત્રણ શખ્સોએ પુર્વ આયોજીત કાવતરુ રચી, જમીનના મુળ માલિક અશોકભાઈ દોંગા અને દેવશીભાઈ દોંગાની જાણ વગર બોગસ ખેડૂત તરીકે ઘનશ્યામસિંહ સોઢા અને મનસુખ ભરવાડને બતાવી આધાર કાર્ડ, પાન કાર્ડ તથા ફોટા સાથે ખોટા દસ્તાવેજો કરી નોટરી સમક્ષ બનાવટી વેંચાણ કરાર કરી મુળ માલિકની ખોટી સહિ કરી ખેડૂત પાસેથી રૂા.17,11,000 સુથી પેટે પડાવી લીધા હતાં અને આ રકમ પડાવી લીધા બાદ ખેડૂતને તેની સાથે છેતરપિંડી થયાનું જણાતા આ અંગેની જાણ કરતા પીઆઈ એન. એ. ચાવડા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી ત્રણ શખ્સોની શોધખોળ આરંભી હતી.