Thursday, April 30, 2026
Homeસમાચારરાષ્ટ્રીયરામમંદિર પરિયોજનાની કમાન હવે RSSના હાથમાં

રામમંદિર પરિયોજનાની કમાન હવે RSSના હાથમાં

સંઘના ભૈયાજી જોશી મંદિર પ્રોજેકટના કેરટેકર રહેશે

થોડાક દિવસો પહેલા આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે આરોપ લગાવ્યો હતો કે રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટે 2 કરોડ રૂપિયાની જમીન 18 કરોડ રૂપિયાથી વધારેની કિંમત આપીને ખરીદી છે. આ વિવાદ સામે આવ્યા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કમાન પોતાના હાથમાં લઈ લીધી છે. અત્યાર સુધી સંઘના સરકાર્યવાહ રહેલા ભૈયાજી જોશી મંદિર પ્રોજેક્ટના કેરટેકરની ભૂમિકા ભજવશે. આ પ્રોજેક્ટ ભૈયાજી જોશીની દેખરેખ હેઠળ ચાલશે.

આ નિર્ણય સંઘમાં એનૌપચારિક રીતે લેવામાં આવ્યો છે. તો બીજી તરફ રાજકીય નિષ્ણાંતો કહે છે કે આ મુદ્દો માત્ર અયોધ્યાનો નથી. RSSની નજર ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પર પણ છે. આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીને લઈને ભાજપનું સ્થાન મજબૂત હોવાનું કહેવાય છે. જો કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય વચ્ચેનો ઝઘડો કોઈથી છુપાયો નથી.

ભાજપના દલિત વોટ બેંક પર આની અસર પડી શકે છે. આને ધ્યાનમાં રાખીને સંઘના નવા સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે હવે લખનૌમાં રહેશે. આવું પહેલીવાર થશે કે સંઘના 2 દિગ્ગજ નેતા ભૈયાજી જોશી અને દત્તાત્રેય હોસબોલે એક સાથે ઉત્તરપ્રદેશમાં રહેશે. સંઘ 2022ની વિધાનસભા ચૂંટણી અને પછી 2024ની લોકસભા ચૂંટણીમાં જીતવા માટે કોઇપણ પ્રકારની બાંધછોડ કરવા ઇચ્છતુ નથી.

જો કે ઔપચારિક રીતે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની કામગીરી પર રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે, જેના સેક્રેટરી ચંપત રાય છે. રાયને વિશ્ર્વ હિન્દુ પરિષદમાંથી ટ્રસ્ટમાં નામાંકિત કરવામાં આવ્યા છે. અયોધ્યામાં મંદિર નિર્માણ માટે અત્યાર સુધીમાં 3 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ એકત્રિત કરવામાં આવી છે, પરંતુ એક અંદાજ છે કે આખા અયોધ્યાના વિકાસ માટે આ પ્રોજેક્ટ પર આશરે 10 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

કેટલાક લોકોનું માનવું છે કે મંદિર માટે જમીન ખરીદીને લગતી ગેરરીતિના અહેવાલો સામે આવ્યા બાદ સંઘે ભૈયાજી જોશીને આ જવાબદારી સોંપી છે. જોકે સંઘનું ટોચનું નેતૃત્વ માને છે કે જમીનની ખરીદીમાં કોઈ કૌભાંડ થયા નથી, પરંતુ આવા સમાચાર અને આક્ષેપો પણ ચિંતાજનક છે. સંઘ ઇચ્છે છે કે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના મંદિર નિર્માણ સંબંધિત પ્રોજેક્ટમાં કોઈ શંકા ન રહે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular