ભાણવડ પંથકની સગીરાને લગ્નની લાલચે ઉત્તરપ્રદેશ લઇ જઇ દુષ્કર્મ આચરવાના કેસમાં અદાલત દ્વારા આરોપીને તકસીરવાન ઠેરવી દસ વર્ષની સખત કેદની સજા તથા દંડ ફટકારવામાં આવ્યો છે.
આ કેસની વિગત મુજબ ભાણવડ પંથકમાં રહેતા એક પરિવારની સગીરા સાથે ઉત્તરપ્રદેશ રાજ્યના કોસંબી જિલ્લાના ભુદુપુર ગામનો મૂળ વતની નિરંજન રોહિતભાઈ ગૌતમ કે જે અગાઉ ભોગ બનનાર સગીરાના પરિવાર સાથે એક જ કારખાનામાં મજૂરી કામ કરતા હોવાથી એકબીજાના પરિચયમાં આવ્યા હતા. આરોપી નિરંજન ગૌતમે 16 વર્ષ 3 માસની ઉંમરની સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને લલચાવી, ફોસલાવી તેના પિતાના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને અમદાવાદ લઈ ગયો હતો. ત્યાંથી પોતાના વતન ઉત્તરપ્રદેશ ખાતે લઈ જઈને ત્યાં સગીરા સાથે શારીરિક સંબંધ બાંધી, દુષ્કર્મમાં આચર્યું હતું.
તા. 9 નવેમ્બર 2023ના સમયગાળા દરમિયાન બનેલા આ બનાવ અંગે ભાણવડ પોલીસ મથકમાં જે-તે સમયે દુષ્કર્મ અને પોક્સો એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. આ પ્રકરણમાં ભોગ બનનારના તથા તેના માતા-પિતાની જુબાની, તબીબી પુરાવા, એફ.એસ.એલ. રિપોર્ટ તેમજ મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ સાથે સરકારી વકીલ લાખાભાઈ ચાવડા દ્વારા ખંભાળિયાના સ્પેશિયલ પોક્સો જજ એસ.જી. મન્સુરી સમક્ષ વિવિધ દલીલો રજૂ કરી હતી. જેને ગ્રાહ્ય રાખીને અદાલતે આરોપીને 10 વર્ષની સખત કેદની સજા તથા રૂ. 10,000નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.
આ ઉપરાંત ભોગ બનનાર સગીરાના સામાજિક, આર્થિક અને માનસિક પુનર્વસન માટે કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂ. 50,000નું વળતર ચૂકવવા પણ હુકમ કર્યો છે.


