જામનગર શહેર જિલ્લામાં કોરોના મહામારીનું સંક્રમણ અનેક ગણી ઝડપે ઘટી રહ્યું છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 8 અને ગ્રામ્યના 3 કેસ મળી 11 કેસ નોંધાયા છે. તો 23 દર્દીઓએ કોરોનાને હરાવવામાં સફળ રહેતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. બિનસત્તાવાર રીતે કોવિડ થી 3 દર્દીના મોત નિપજ્યા છે.
ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ ઘટતું જાય છે અને મૃત્યુનું પ્રમાણ પણ સાથે સાથે ઘટી રહ્યું છે. જે મહદઅંશે રાહત છે. જો કે, છેલ્લાં દશેક દિવસથી જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે અને આ સંક્રમણમાં પોઝિટિવ કેસો અને મૃત્યુઆંક ઘટતો જાય છે જ્યારે સાજા થનાર દર્દીઓની સંખ્યા વધી રહી છે જેથી સરકારી હોસ્પિટલોમાં હાલની પરિસ્થિતિમાં કોવિડના દર્દીઓની સંખ્યા ઘણી ઘટી ગઈ છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં છેલ્લાં એક મહિનાથી શહેર-જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં મહદઅંશે ઘટાડો થઈ રહયો છે અને હાલ જિલ્લામાં 20 થી 30 કેસો જ પોઝિટિવ આવે છે અને કોવિડથી થતાં મૃત્યુનો આંકડો પણ ઘટી ગયો છે. અગાઉ દરરોજ આશરે 50 જેટલા દર્દીઓના કોવિડથી બિનસત્તાવાર મૃત્યુ થતાં હતાં. આજે આ મૃત્યુઆંક માત્ર 3 સુધી પહોંચી જતાં તંત્રએ રાહત અનુભવી છે.
જામનગર શહેરમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 8 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જ્યારે 12 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આ ઉપરાંત જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કુલ 3 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે 11 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા ડિસ્ચાર્જ કરાયા છે. આ ઉપરાંત બિનસત્તાવાર મૃત્યુ આંક 3 નો રહ્યો છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કુલ 407169 સેમ્પલનું પરીક્ષણ થયું છે. જામનગર ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 297230 સેમ્પલનું પરીક્ષણ થયું છે.
જામનગર શહેર-જિલ્લામાં કોરોનાની બીજી લહેર અંત તરફ
શહેરમાં 8 અને ગ્રામ્યમાં 3 પોઝિટિવ કેસ: જિલ્લામાં કુલ 23 દર્દીઓ એ કોરોનાને માત આપી : બિનસત્તાવાર મૃત્યુઆંક 3